સુરતમાં મોટા વરાછામાં બાતમીના આધારે રેડ કરી પોલીસે ઓનલાઈન જુગારધામ ઝડપી પાડ્યું છે. જેમાં 11 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગેમના નામે 100 કરોડ જેટલા ટ્રાન્જેક્શન મળ્યાની વિગતો પ્રાપ્ત થઈ હતી. ભાડાની ઓફિસ રાખી આ પ્રકારે જુગાર રમાડી ટ્રાન્જેક્શન થતા હતા પોલીસે આ સમગ્ર મામલે 16 મોબાઈલ, રોકડ 2.90 જેટલી રકમ, કમ્પ્યુટર, લેપટોપ સહીતનો કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસને બાતમી મળી હતી કે તુલસી આર્કેડમાં એક ભાડાની ઓફિસ રાખીને ગેમની આડમાં જુગાર ઓનલાઈન રમાઈ રહ્યો છે ત્યારે આ મામલે તપાસ કરાતા ઓનલાઈન જુગારના ટ્રાન્જેક્શન હાથ લાગ્યા હતા. કોઈને જાણ ના થાય અને એક જ ટ્રાન્જેક્શન ના થાય તે માટે અલગ અલગ 25 જેટલી એપ્લિકેશન આઈડી થકી ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
ગુજરાતમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં આ પ્રકારે ઓનલાઈન સટ્ટો અને જુગાર રમવાનું ચલણ વધતું જોવા મળી રહ્યું છે. સુરત, અમદાવાદ સહીતના શહેરોના વિવિધ વિસ્તારમાં પોલીસના હાથે આ પ્રકારે સટ્ટોડિયાઓ ઝડપાઈ રહ્યા છે. ત્યારે સુરતમાં પણ મોટા વરાછામાં 11ની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઓફિસ ભાડે રાખીને અલગ અલગ બેન્કોમાં ટ્રાન્ઝેક્શન થતા હતા.
