અમદાવાદ જિલ્લામાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે તસ્કરો દ્વારા વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. બાવળા તાલુકાના બગોદરામાં આવેલા નવકાર તીર્થધામમાં એક પરિવારે મુંબઈથી આવીને રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારે બારીની જાળી તોડી રૂમમાં પ્રવેશ કરી કેટલાક તસ્કરો 4 મોબાઇલ, રોકડ સહિત કુલ રૂ. 37,500ની મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. આ મામલે પરિવારે બગોદરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
મળતી માહિતી મુજબ, મુંબઇનાં મુલુંડમાં રહેતાં ગૌરવભાઇ ગાલા પત્ની પ્રીતીબેન અને બહેન શીતલબેન સાથે ગાડી લઈને આવ્યા હતા. દરમિયાન બાવળાના બગોદરામાં આવેલા નવકાર તીર્થધામમાં 1 રૂમ ભાડે રાખીને સરસામાન રૂમમાં મૂકી રાત્રે સુઇ ગયા હતા. દરમિયાન મોડી રાતે જ્યારે શીતલબેન જાગ્યા હતા તો ચેક કરતા મોબાઇલ મળ્યા ન હોતા. આથી તેમણે ભાઈ-ભાભીને જગાડ્યા હતા. રૂમમાં વધુ તપાસ કરતા બારી જાળી તૂટેલી જોવા મળી હતી અને 2 સ્લાઇડિંગ પણ ખુલ્લા હતા.
આથી બારીમાંથી તસ્કરોએ રૂમમાં પ્રવેશીને રૂ. 8,500ના 4 મોબાઇલ, રૂ. 10 હજારનું કાનમાં સાંભળવાનું મશીન, રુ. 18 હજાર રોકડા, 2 ઘડીયાળ, જરૂરી ડોક્યુમેન્ટ મળી કુલ રૂ. 37,500ના મુદ્દામાલની ચોરી કરી હતી અને ફરાર થયા હોવાનું જણાયું હતું. આ મામલે બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે અજાણ્યા લોકો સામે ચોરી સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.