રાજકોટ શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થા લુંટ, ચોરી અને મારામારી જેવા બનાવોનો ગ્રાફ શેર બજારના સેનસેકસ જેમ ઉંચકાય રહ્યો છે. જેમાં ધમધમતા એવા રૈયા રોડ પર આવેલા સદગુરુ કોમ્પલેક્ષના પ્રથમ માળે એચ.એમ. એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીના તાળા તોડી રૂ. ૯ લાખની ચોરીની સાથે તસ્કરો સીસી ટીવીના ડીવીઆર તફડાવી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. ચોરીની ઘટનામાં જાણભેદુ હોવાની શંકાથી તપાસનો ધમધમાટ આદર્યો છે. આ બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસ ક્રાઇમ બ્રાંચ અને એસઓજી નો સ્ટાફ દોડી જઇ તસ્કરોનું પગેરુ દબાવ્યું છે. વધુ વિગત મુજબ શહેરના રૈયા રોડ પર આવેલા સદગુરુ કોમ્પલેક્ષમાં પ્રથમ માળે એચ.એમ. એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીના તાળા તુટયાની સંચાલક વિજયભાઇ સવજાણીએ ગાંધીગ્રામ પોલીસ મથકની જાણ કરતાં પી.એસઆઇ વાય.બી. જાડેજા અને એસ.ઓ.જી. પી.આઇ. ઝાલા સહીતનો સ્ટાફ દોડી ગયા હતા. તસ્કરોએ શટરના તાળા તોડી રૂ. ૯ લાખની ચોરી કરી અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર તફડાવી ગયા છે. પોલીસ સ્ટાફ દ્વારા ટીમો બનાવી વિવિધ વિસ્તારના સીસીટીવી કુટેજ ચેક કરી તસ્કરોનું પગેરુ દબાવ્યું છે. એક પખવાડીયા પૂર્વ વેપારીને મરચાની ભૂકી છાંટી રૂ. બે લાખ રોકડ સાથે એકિટવા ની લુંટનો ભેદ ઉકેલાયાના ગણતરીના દિવસોમાં તસ્કરોએ આંગડીયા પેઢીને નિશાન બનાવી છે.