રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભારતીય વાયુસેનાના સુખોઈ ફાઈટર જેટમાં ઉડાન ભરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુખોઈ-30 MIK ફાઈટર જેટમાં કો-પાઈલટની સીટ પર બેસીને આસામના તેજપુર એર બેઝથી ફ્લાઇટ પૂર્ણ કરી હતી. દ્રૌપદી મુર્મુના આસામ પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. તેઓ 6 એપ્રિલથી આસામના પ્રવાસે છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 2009માં ઉડાન ભરી હતી
ત્રણેય સેવાઓના સર્વોચ્ચ કમાન્ડર હોવાના કારણે, રાષ્ટ્રપતિને સેવાઓના દળો, શસ્ત્રો અને નીતિઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. દ્રૌપદી મુર્મુ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટિલ અને રામનાથ કોવિંદ વાયુસેનાના ફાઈટર જેટમાં ઉડાન ભરી ચુક્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 2009માં દેશના આ અત્યાધુનિક ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી.
દુશ્મન દેશોને કડક સંદેશ
તમને જણાવી દઈએ કે આ સમયે ચીનની સરહદ પર સેનાને મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ચીન સતત ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યું છે. આવા સમયે રાષ્ટ્રપતિ સુખોઈ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરીને દુશ્મન દેશોને ભારત તરફથી કડક સંદેશ આપવાનો છે. જણાવી દઈએ કે તેજપુર એરફોર્સ બેઝ દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ એરબેઝ છે.
ગજ ઉત્સવ-2023 નું ઉદ્ઘાટન
અગાઉ રાષ્ટ્રપતિ મુર્મુએ ગઈ કાલે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગજ ઉત્સવ-2023નું ઉદ્ઘાટન કર્યું હતું અને બાદમાં ગુવાહાટીમાં માઉન્ટ કંચનજંગા અભિયાન-2023ને ફ્લેગ ઓફ કર્યું હતું. ગુવાહાટીમાં ગૌહાટી હાઈકોર્ટના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત કાર્યક્રમમાં પણ રાષ્ટ્રપતિ મુર્મુએ હાજરી આપી હતી.