નારણપુરામાં રહેતા બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરવા અને ઢોર માર મારવા મામલે ભરૂચ ઋષિકુલના માધવ સ્વામી અને 10 લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે. 21 લાખની લેતીદેતી મામલે આ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
21 લાખની લેતી દેતી મામલો હુમલો
મળતી માહિતી મુજબ, નારણપુરામાં રહેતા ગૌરાંગ પરમાર અને ચેતન પરમાર જમીન લે-વેચનું કામ કરે છે. દરમિયાન બંને ભાઈઓનો અંકલેશ્વરના પાનોલીમાં આવેલ ઋષિકુલના માધવ સ્વામીએ સંપર્ક કર્યો હતો અને શંખેશ્વર જમીન લેવાની હોવાથી ગાંધીનગરના સુનિલ જોશી મારફતે જમીન લેવાનું નક્કી થયું હતું. આ સોદામાં બંને ભાઈ મધ્યસ્થી હતા. પરંતુ, બાદમાં આ સોદો કેન્સલ થયેલો હતો. આરોપ મુજબ, ગાંધીનગરના સુનિલભાઈ જોશી પાસથી માધવ સ્વામીએ હાથ ઉછીના રૂ. 21 લાખ લીધા હતા. પરંતુ, પરત માગતા ગલ્લા તલ્લા કરતા હતા. આથી સુનિલભાઈએ ગૌરાંગ પરમાર અને ચેતન પરમાર થકી માધવ સ્વામીનો પરિચય થયો હોવાથી તેમની પાસે પૈસાની ઉઘરાણી કરી હતી.
બંને ભાઈઓ પર 8-10 લોકોએ હુમલો કર્યો
આરોપ મુજબ, બંને ભાઈએ માધવ સ્વામી પાસે પૈસા માગતા માધવ સ્વામીએ બંને ભાઈઓ પર પોતાના માણસો થકી હુમલો કરાવ્યો હતો. 8-10 લોકો લોખંડની પાઇપ, ધોકા અને હોકી સ્ટીક લઇ બંને ભાઈઓ પર તૂટી પડયા હતા અને તેમની કાર સાથે પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં બંને ભાઈઓને ગંભીર ઇજાઓ થઈ હતી. આ મામલે ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.