પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છે. તહરીક-એ-જેહાદ પાકિસ્તાનના આતંકવાદીઓએ બલૂચિસ્તાન પ્રાંતમાં આર્મી બેઝ પર ભીષણ હુમલો કર્યો છે. આ હુમલામાં ઘણા સૈનિકો માર્યા ગયાના સમાચાર છે.
પરંતુ પાકિસ્તાન દ્વારા માત્ર ૪ સૈનિકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ ભીષણ હુમલામાં ઘણા જવાન ઘાયલ થયા છે. જેમાંથી ૦૫ જવાનોની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાય રહ્યું છે. આતંકવાદીઓએ બલૂચિસ્તાનના ઝોબમાં સૈન્ય મથકને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. હુમલો કરીને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાની સેનાએ હુમલાની પુષ્ટિ કરી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઝોબમાં સૈન્ય મથક પર હુમલો ત્યારે થયો જ્યારે કેટલાક સૈનિકો તેમની ફરજ પૂરી કરીને આરામ કરવા આવ્યા હતા. એટલા માટે આતંકીઓએ તે જવાનો પર ગોળીબાર કર્યો. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ આતંકીઓને કોઈ નુકસાન થયું ન હતું. ફાયરિંગ બાદ ૬ જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ સંખ્યા ૪ દર્શાવવામાં આવી છે. પાક સેનાએ પણ ૪ જવાનોના મોતની પુષ્ટિ કરી છે. જોકે આ સંખ્યા પાછળથી વધી શકે છે. ૫ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ સૈન્ય મથકની આસપાસ બનેલી બાઉન્ડ્રી વોલની પાછળથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. તેઓ દિવાલની પાછળ હોવાથી તેમને કોઈ નુકસાન થયું ન હતું. જ્યારે સૈનિકો ખુલ્લી જગ્યામાં હતા ત્યારે અચાનક થયેલા હુમલામાં સૈનિકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓ તેમની સાથે મોટા પ્રમાણમાં હથિયારો સાથે સજ્જ થયા હતા.
હુમલા બાદ અન્ય યુનિટને ત્યાં મોકલવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. અહીં દરેક ઘરની તપાસ પણ કરવામાં આવી રહી છે. સેનાનો દાવો છે કે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તમામ આતંકવાદીઓ ભાગવામાં સફળ થયા છે.
એક સપ્તાહમાં પાકિસ્તાનમાં આ બીજો આતંકવાદી હુમલો છે. આ પહેલા પણ આતંકીઓએ સુરક્ષા ચોકીને નિશાન બનાવી હતી. ‘ડોન ન્યૂઝ’ના અહેવાલ મુજબ, ઝોબના પોલીસ કમિશનરે થોડા દિવસો પહેલા સેનાને ગુપ્તચર અહેવાલ મોકલ્યો હતો. જેમાં સેનાને કોઈપણ હુમલાની ચેતવણી આપવામાં આવી હતી. પાક સેનાના અધિકારીઓના નિવેદન મુજબ બુધવારના હુમલામાં એક મહિલાનું પણ મોત થયું હતું. આતંકીઓ અને સૈનિકો વચ્ચેના ગોળીબારમાં તે ફસાઈ ગઈ હતી.