ગુજરાતમાં છેલ્લા અમુક દિવસથી કોરોના મહામારીએ ફરી માથું ઊંચક્યું હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતો હોવા મળી રહ્યો છે. માહિતી મુજબ, ગુજરાત રાજ્યમાં દૈનિક ધોરણે 200થી વધુ નવા કોરોના કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ 100 કેસ સામે આવી રહ્યા છે.
જણાવી દઈએ કે, આ પહેલા કોરોનાની લહેર જ્યારે ચરમસીમાએ હતી ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની સ્પેશિયલ હોસ્પિટલ બનાવાઈ હતી અને તેમાં કોરોનાનું આખું સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. ત્યારે હવે કોરોનાના કેસમાં વધારો થતા ફરી એક વાર 1200 બેડની વિશેષ હોસ્પિટલમાં તૈયાર શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, સિવિલમાં આ વખતે ફેઝમાં 6 દર્દી દાખલ હતા હાલ એક પણ કેસ દાખલ નથી.
24 કલાક ડોક્ટર્સની ટીમ અહી તૈનાત
તેમણે કહ્યું કે, ડરવાની જરુર નથી સાવચેત રહેવાની જરુર છે. લોકોએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. હાલ સિવિલ હોસ્પિટલમાં ટ્રાયેઝ એરિયામાં સહિત 80 બેડની વ્યવસ્થા કરાઈ છે, બીજા બે આઈસીયુ તૈયાર છે. જો કે, હાલ કોરોનાનો એક પણ દર્દી દાખલ નથી છતાં 24 કલાક ડોક્ટર્સની ટીમ અહી તૈનાત રહે છે. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલમાં 1400 ડૉક્ટર્સ, 1700 નર્સ, 400 પેરામેડિકલ સ્ટાફ, 2 હજાર હાઉસ કીપિંગ સ્ટાફ તૈયાર છે આથી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ સજ્જ છે.