અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ દ્વારા ખૂબ જ અનોખી અને સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. માહિતી મુજબ, આ ખાનગી હોસ્પિટલ દ્વારા શહેરના 100 જેટલા રિક્ષાચાલકોને પ્રાથમિક સારવાર અંગેની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. ટ્રેનિંગ સાથે આ રિક્ષાચાલકોને ફસ્ટ એઈડ કીટ રિક્ષામાં રાખવા માટે પણ અપાઈ છે. જેથી કટોકટીની સ્થિતિમાં જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરી શકાય.
મળતી માહિતી મુજબ, અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી જીસીએસ હોસ્પિટલ દ્વારા એક અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે હેઠળ હોસ્પિટલ દ્વારા શહેરના 100 રિક્ષાચાલકોને પ્રાથમિક સારવારની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેથી અકસ્માતની ઘટનામાં ઘવાયેલ વ્યક્તિને પ્રાયમરી ટ્રિટમેન્ટ મળી શકે. હોસ્પિટલ દ્વારા રિક્ષાચાલકોને બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ, સીપીઆરની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. હોસ્પિટલના તંત્રે જણાવ્યું કે, ઇમરજન્સી સ્થિતિમાં જો દર્દીને તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો તેનો જીવ બચવાના ચાન્સ 40 ટકા વધી જાય છે.
AMA દ્વારા પણ સીપીઆર ટ્રેનિંગનું અભિયાન
ખાનગી હોસ્પિટલ દ્વારા રિક્ષાચાલકોને વાહનમાં સાથે રાખવા માટે ફસ્ટ એઈડ કીટ પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ રમતા, જીમમાં કસરત કરતા કે પછી ડાન્સ કરતા હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે, જેના પગલે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા પણ લોકોને સીપીઆર ટ્રેનિંગ આપવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે.