ગુજરાત સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા નવા જંત્રી દરનો શનિવારથી રાજ્યભરમાં અમલ શરૂ થઈ જશે. તે માટે રાજ્ય સરકારે પણ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જણાવી દઈએ કે, અગાઉ રાજ્ય સરકાર દ્વારા એક સાથે 100 ટકા જંત્રી વધારા સામે ઉગ્ર વિરોધ થયા બાદ ગુજરાતમાં જંત્રીના દરોમાં આંશિક ઘટાડો કરાયો હતો.
મીડિયા અહેવાલ મુજબ, રાજ્ય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલ નવી જંત્રી મુજબ, ખેતીથી-ખેતી 25 ટકાના બદલે 20 ટકા પ્રિમિયમ લેવાનું તેમ જ ખેતીથી-બિનખેતી 40 ટકાને બદલે 30 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરાયું છે. જ્યારે રહેણાકમાં જંત્રી દર 1.8 ગણો, ઓફિસ જંત્રી બે ગણાને બદલે 1.5 ગણો નક્કી કરાયો છે. ઉપરાંત, બાંધકામના સંયુકત અને ખેતી તથા જમીન દરમાં ૧.૮ ગણા, ઓફિસના દોઢ ગણા કરવાનું નક્કી કરાયું છે. ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણા યથાવત છે. આમ જંત્રીના નવા દર શનિવાર એટલે કે આતજથી લાગુ થયા છે.
આગામી ચાર માસ સુધી જૂના જંત્રી પ્રમાણે રકમ ભરી શકશે
ઉલ્લેખનીય છે કે, જેમના 15 એપ્રિલ પહેલા બાનાખત થયા હશે, તેઓ હજુ આગામી ચાર માસ સુધી જૂના જંત્રી પ્રમાણે રકમ ભરી શકશે. રાજ્યમાં આજથી નવા જંત્રીના દર લાગુ હોવા છતાંય, અગાઉના વ્યવહારોને કારણે મોટાભાગના દસ્તાવેજો જૂના દરે નોંધવામાં આવશે. ત્યારે અંતિમ દિવસોમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.