રાજ્યભરમાં લોકો ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. દિવસે ને દિવસે ગરમીના તાપમાનમાં વધારો થતા લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. માહિતી મુજબ, રાજ્યના 6 મુખ્ય શહેરોનું તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં તો ગરમીનો પારો 40 ડિગ્રી સુધી નોંધાયો છે.
ઉપરાંત, રાજ્યના વડોદરા અને રાજકોટમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં 35.2, ડીસામાં 38.6 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું છે. આ સિવાય સુરતની વાત કરીએ તો સુરતમાં 39.8, ભૂજમાં 38.5 ડિંગ્રી અને અમરેલીમાં 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે બપોરના સમયે ગરમીનો પ્રકોપ વધતા મોટાભાગના શહેરોમાં રસ્તા સૂમસામ જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગે પણ લોકોને વધતી ગરમીને લઈ સાવચેત રહેવા સૂચન કર્યું છે. લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવા સલાહ આપી છે. આ સાથે જ સિનિયર સિટીઝન અને બાળકોનું વધતી જતી ગરમીમાં વધુ ધ્યાન રાખવા અપીલ કરાઈ છે.