જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષપદે રોડ સેફટી કમિટિની બેઠક યોજાઈ
ભરૂચ જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ નિવારી, અમૂલ્ય માનવ જિંદગી બચાવી શકાય તેવું લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરવા ભરૂચ કલેકટર શ્રી તુષાર સુમેરાએ જણાવ્યુ હતું.
જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજિત ‘ડિસ્ટ્રકટ રોડ સેફટી કમિટિ’ ની બેઠકને સંબોધતા કલેકટરશ્રીએ જિલ્લાના નેશનલ હાઈ-વે, સ્ટેટ હાઈ-વે અને પંચાયત હસ્તકના ગ્રામિણ માર્ગ ઉપર ટ્રાફિક નિયમના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો અનુરોધ કર્યો હતો.
જિલ્લામાં કાર્યરત જંગલ તથા પોલીસ વિભાગની ચેકપોસ્ટને વધુ અસરકારક બનાવવા સાથે સાથે લાયસન્સની સ્થિતિ, વાહનોના વિમા અને પી.યુ.સી. જેવા મુદ્દે પણ કલેકટરશ્રીએ વિશેષ માર્ગદર્શન આપ્યુ હતુ.
જિલ્લાના ઝઘડિયા રોડ પર પાર્કિંગની વ્યવસ્થાને યોગ્ય કરવા તથા હાઈ-વે ઉપર સફળ રહેલા ‘રોલર ક્રેસ બેરીયર’નો વ્યાપ વધારવાનો અનુરોધ કરતા જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ અકસ્માત ઝોન, બ્લાઈન્ડ સ્પોટ, બમ્પ, સાઈન બોર્ડ, ટ્રાફિક અવેરનેસની બાબતોનો યોગ્ય પ્રચાર-પ્રસાર થાય તે અંગે જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર કચેરી ખાતે વી સી રૂમમાં યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એન આર ધાધલ, સહિત કમિટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.