અમરેલી શહેરમાં થોડા દિવસ પહેલા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા જાહેર નોટીસ આપી દબાણ દુર કરવા માટે જણાવવામાં આવ્યુ હતું. જેથી નાના માણસોએ સ્વેચ્છાએ બોર્ડ, છાપરા, લારી ગલ્લા દુર કરી તંત્રની કામગીરીમાં સહકાર આપ્યો હતો. દબાણ હટાવની કામગીરી પૂર્વે જાણે શહેરમાં યુધ્ધ થવાનું હોય તેમ પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા અને ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી. લોકોમાં દબાણ હટાવ પૂર્વે ભયનો માહોલ છવાઈ જાય તેવી રીતે પોલીસની ટીમ શહેરમાં નીકળી હતી. તંત્ર દ્વારા જે રીતે દબાણ હટાવ પૂર્વની કામગીરી કરી હતી તેમાં એવુ લાગતુ હતું કે આ દબાણ હટાવમાં કોઈપણ ચમરબંધીને છોડવામાં નહી આવે
પરંતુ દબાણ હટાવ ઝુંબેશની કામગીરી શરૂ થતાની સાથે જ ગરીબ પરિવારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. ગરીબ દુકાનદારોની કેબીનો, છાપરા તોડી નાખવામાં આવ્યા હતા જયારે મોટા માથાના દબાણ હટાવવાની વાત આવી અને તંત્ર પોતાની ટીમ સાથે દબાણ હટાવ ઝુંબેશ કરવા ગયું ત્યાં તો ઉપરથી રૂક જાવનો આદેશ આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ બસસ્ટેશન પાસે સરકારી જમીનમાં મસમોટી દુકાન ધમધમી રહી છે
તો એક રાજકીય આગેવાને સરકારી જમીન પર બંગલો પણ બનાવી લીધો છે. રાજકીય આગેવાનો દબાણ હટાવ ઝુંબેશમાં રાજકીય વગનો ઉપયોગ કરી પોતાનું ગેરકાયદેસર દબાણ બચાવી લેવામાં સફળ રહ્યાં હતા. જયારે ફક્ત મતદાનમાં જ ઉપયોગ થતો હોય તેમ નાના માણસોની વ્હારે કોઈ આવ્યુ નહોતું તેમ લોકોએ રોષ સાથે જણાવ્યું હતું. અમરેલી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ માત્ર સીનસપાટા કરવા અને નાના માણસોને નિશાન બનાવવા માટે કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે.