અમદાવાદના નારણપુરા વિસ્તારના ડી. કે. પટેલ હોલ ખાતે અમદાવાદ જિલ્લા મદદનીશ રોજગાર કચેરી તથા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળાનું તથા જિલ્લા મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાના માહિતીદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્ર્મમાં મદદનીશ રોજગાર કચેરી દ્વારા આમંત્રીત 24 જેટલી કંપનીઓ નોકરી પ્રદાતા તરીકે આવી હતી. નોકરી વાંચ્છુક ઉમેદવારોએ સ્થળ પર આવીને ઇન્ટરવ્યૂ આપ્યા હતા. કાર્યક્રમના સ્થળ પર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલ લગાવવામાં આવ્યાં હતાં જેમાં વહાલી દિકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગાસ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના જેવી વિવિઘ પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં હાજર લોકોને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે લેવો તેનાથી વાકેફ કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત રોજગાર ભરતી મેળા કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ કેન્દ્રના જીતેશભાઇ સોલંકી (જેન્ડર સ્પેશ્યલિસ્ટ), મદદનીશ રોજગાર કચેરીમાં હેમલ બારોટ (સ્પેશિયાલિસ્ટ ઈન ફાઈનાન્સિયલ લિટરસી), મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા રોજગાર કચેરીના કર્મચારીઓ તથા વૈષ્ણવ વણિક પરિવારના લોકો હાજર રહ્યાં હતાં.