રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 21 રનથી હારી ગયું છે. વિરાટ કોહલીની ટીમને મેચ જીતવા માટે 201 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં 8 વિકેટે 179 રન જ બનાવી શકી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે વિરાટ કોહલીએ 37 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી જ્યારે મહિપાલ લોમરોરે 18 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ તે ટીમને જીત ના અપાવી શક્યો.જો કે આ હાર પર વિરાટ કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ મેચ બાદ વિરાટ કોહલીએ શું કહ્યું?
આ હાર પછી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે અમે મેચમાં સારું રમ્યા નથી… અમે હારવાના હકદાર છીએ. અમે વિપક્ષી ટીમને જીતવાની તક આપી હતી, અમારું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું. જો તમે મેચ પર નજર નાખો, તો તમે જોશો કે અમને મળેલી તકોનો અમે લાભ ઉઠાવી શક્યા નથી. અમે ઘણા કેચ છોડ્યા, જેના કારણે અમને વધુ 25-30 રનનો પીછો કરવો પડ્યો. આ સિવાય અમારા બેટ્સમેન સતત આઉટ થતા રહ્યા, જેના કારણે અમે લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહીં. તેણે એમ પણ કહ્યું કે માત્ર એક સારી ભાગીદારી મેચનો માર્ગ બદલી શકતી હતી, પરંતુ એવું થયું નહીં.
મેચ વિશે
વિરાટ કોહલી સિવાય, મહિપાલ લોમરોરે RCB માટે ચોક્કસપણે રન બનાવ્યા, પરંતુ ટીમના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા. ખાસ કરીને ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસ જેવા ખેલાડીઓ કંઈ ખાસ કરી સક્યા ન હતાં. ફાફ ડુ પ્લેસિસે 7 બોલમાં 17 રન બનાવ્યા હતા, પરંતુ ઝડપી શરૂઆતને મોટી ઇનિંગમાં બદલી શક્યો નહોતો. આ સાથે જ ગ્લેન મેક્સવેલે 4 બોલમાં 5 રન બનાવ્યા હતા. આ સિવાય દિનેશ કાર્તિકે 18 બોલમાં 22 રનની ધીમી ઇનિંગ રમી હતી. આરસીબી માટે, બંને ઓપનર વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે તોફાની શરૂઆત કરી હતી. બંને ખેલાડીઓએ માત્ર 2.1 ઓવરમાં 31 રન જોડ્યા, પરંતુ તે પછી વિરાટ કોહલીની ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી. પરિણામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રને હારનો સામનો કરવો પડ્યો હતો.