ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં માર્ચ મહિનાથી જ કમોસમી વરસાદ પડવાનો શરૂ થયો હતો. ત્યારે હવે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મીડિયા અહેવાલ મુજબ, હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં ચક્રવાત ઊભું થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. 7 મે સુધીમાં હવાનું નીચું દબાણ બન્યા બાદ તે ચક્રવાતમાં પરિવર્તિત થઈને સક્રિય થવાની શક્યતાઓ છે. આ મામલે હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં થઈ રહેલા ફેરફારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના વિવિધ રાજ્યોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લોમાં કમોસમી વરસાદના કારણે ઉનાળામાં લોકો ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા સેવાઈ રહી છે.
બંગાળની ખાડીમાં થઈ રહેલા ફેરફારો પર સતત નજર
ત્યારે હવે આગામી દિવસોમાં વધુ માવઠું પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. મીડિયા અહેવાલ મુજબ, હવામાન વિભાગે જણાવ્યું કે, 6 મેથી બંગાળની ખાડીમાં દક્ષિણ-પૂર્વમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન વિકસિત થઈ શકે છે, આથી 7 મેના રોજ લો-પ્રેશર ક્ષેત્ર અને 8 મેના રોજ બંગાળની ખાડીમાં દક્ષિણ-પૂર્વમાં એક ડિપ્રેશન ડેવલપ થઈ શકે છે, જે ધીમે-ધીમે ખાડીમાં ઉત્તર તરફ ગતિ કરી શકે છે. જે બાદ સાઇક્લોનમાં પરિવર્તિત થઈ શકે છે. જો કે, હવામાન વિભાગ બંગાળની ખાડીની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું છે.
ગુજરાતના આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ
જણાવી દઈએ કે, ગુજરાતના સૌરાષ્ટ, કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જુનાગઢના ખાભા ગીરમાં અઢી ઇંચ, અમરેલીના રાજુલામાં એક ઇંચ, ગોંડલના કમરકોટડામાં 2 અને કેશોદમાં દોઢ ઇંચ વરસાદ થયો હોવાની માહિતી છે. જો કે, બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં તાપમાનમાં 37 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ગઈકાલે અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી, ગાંધીનગરમાં 37 ડિગ્રી, રાજકોટમાં 37.7 ડિગ્રી, વલસાડમાં 37 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં પણ 37 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું.