ભારતીય મૂળના ભૂતપૂર્વ માસ્ટરકાર્ડ સીઈઓ અજય બંગા (Ajay Banga) બુધવારે વર્લ્ડ બેંક (World Bank) ના આગામી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેઓ એશિયન મૂળના પ્રથમ અધ્યક્ષ હશે. તેઓ 2 જૂન, 2023ના રોજ તેમનું પદ સંભાળશે. તેમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. ઉલ્લેખનીય છે કે, અજય બંગા બુધવારે 25 સભ્યોના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા બિનહરીફ ચૂંટાયા હતા. આ પહેલા બંગા માસ્ટરકાર્ડ (Mastercard) ના સીઈઓ પણ રહી ચૂક્યા છે. તેમની પાસે નાણાકીય અને વિકાસ કાર્યોનો બહોળો અનુભવ છે. આ કાર્યકાળમાં તેમની સામે જળવાયુ પરિવર્તન (Climate Change) નો મોટો પડકાર રહેશે. અગાઉ, વર્લ્ડ બેંકના વર્તમાન પ્રમુખ ડેવિડ માલપાસે વર્ષની શરૂઆતમાં તેમનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
જો બિડેને પદ માટે નામાંકિત કર્યા હતા
ડેવિડ માલપાસે તેમના રાજીનામાની જાહેરાત કર્યા બાદ ફેબ્રુઆરીમાં યુએસ પ્રમુખ જો બિડેને અજય બંગાને વર્લ્ડ બેંકના પ્રમુખ પદ માટે નામાંકિત કર્યા હતા. ત્યારથી, અજય બંગાનું વર્લ્ડ બેંકના પ્રમુખ બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવતું હતું કારણ કે તેમની સામે અન્ય કોઈ વ્યક્તિએ તેમની ઉમેદવારી રજૂ કરી ન હતી. તેમને નોમિનેટ કરતી વખતે જો બિડેને જણાવ્યું હતું કે, બંગાને ક્લાઈમેટ ચેન્જ જેવા પડકારોનો સામનો કરવાનો ઘણો અનુભવ છે. આવી સ્થિતિમાં, તેઓ આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રમાંથી સંસાધનો એકત્ર કરવામાં સક્ષમ છે. બિડને જણાવ્યું હતું કે, અજયે ત્રણ દાયકાથી વધુ સમય વૈશ્વિક કંપનીઓના નિર્માણ અને સંચાલનમાં વિતાવ્યો છે. આ એવી કંપનીઓ છે જેણે અર્થતંત્ર તેમજ રોજગારીને વેગ આપ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અજય બંગા આ ઐતિહાસિક ક્ષણે વર્લ્ડ બેંકની કમાન સંભાળવા સૌથી વધુ લાયક છે.
IIM અમદાવાદમાંથી MBA કર્યું
અજય બંગાનો જન્મ 10 નવેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. તેમના પિતા હરભજનસિંહ બંગા ભારતીય સેનામાં સેવા આવી હતી. તેઓ ભારતી સેનામાં લેફ્ટનન્ટ જનરલ હતા. તેમણે જાલંધર અને શિમલામાંથી સ્કૂલિંગ એજ્યુકેશન મેળવ્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને IIM અમદાવાદમાંથી MBA કર્યું છે. 2016માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત પણ કર્યા છે.
ભારત સરકારે વર્ષ 2016માં આપ્યો પદ્મશ્રી
ભારત સરકારે નાણાકીય ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ વર્ષ 2016માં અજય બંગાને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. તેઓ 2 જૂન, 2023ના રોજ વિશ્વ બેંકના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેમની સામે ઘણા નવા પડકારો છે. આમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે ક્લાઈમેટ ચેન્જમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધારવો.