રાજકોટમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે એન્ટર પ્રીન્યોરશીપ અવેરનેસ પ્રોગ્રામ: સફળ ઉદ્યોગ સાહસિક બનવા અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન મહીલાઓ આગળ વધે અને પોતાના પગ પર ઊભા થાય તે માટે ઉદ્યોગો શરૂ કરવા અને સફળ ઉદ્યોગ સાહસિક બનવા અંગે નિષ્ણાતો દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપાયુ. મહિલા ઉદ્યોગસાહસિકો પોતાના વ્યવસાયને ગતિ આપી શકે અને સફળ ઉદ્યોગકાર બનીને આર્થિક-સામાજિક વિકાસમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપી શકે તેવા હેતુસર રાજકોટમાં એન્ટર પ્રીન્યોરશીપ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં વિવિધ વિભાગના નિષ્ણાતો દ્વારા મહિલાઓને સફળ ઉદ્યોગ સાહસિક બનવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગ, એન્ટર પ્રીન્યોરશીપ ડેવલપમેન્ટ ઓફ ઈન્ડિયા તથા હસ્તકલા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બહુમાળી ભવનના સેમિનાર હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોની ઉદ્યમી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત મેનેજરશ્રી એમ. એમ.ચંદ્રાણી, ખોડલધામ ટ્રસ્ટના મહિલા મંડળના પ્રમુખ સુશ્રી વર્ષાબેન રૈયાણી, પ્રગતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સુશ્રી હેતલબા ઝાલા, સફળ ઉદ્યોગ સાહસિક સુશ્રી વેદાંતીબેન પટેલ તેમજ ઈ.ડી.આઈ.ના ચિરાગ પાટિલે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા હસ્તકલા સેતુ સોસાયટીના નિરવ ભાલોડિયા, નિલેશ જોશી, ઋચા ત્રિવેદી, જય જોશી, ચંદ્રેશ રાઠોડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.