મહેન્દ્ર સિંહ ધોની એક કુશળ વ્યૂહરચનાકાર તરીકે ઓળખાય છે પરંતુ જ્યારે તેની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ મંગળવારે ચેપોક સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે ત્યારે તેણે ફોર્મમાં રહેલા શુભમનને રોકવા વધુ મહેનતની જરૂર પડશે
શુભમને છેલ્લી મેચમાં અણનમ સદી ફટકારીને વિરાટ કોહલીના સદીના પ્રયાસને બરબાદ કરી દીધો હતો, જેના પરિણામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB) ટીમ IPLમાંથી બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ચેન્નઈ સામેની મેચમાં બધાની નજર આ યુવા બેટ્સમેન પર રહેશે.
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે અને તે તમામમાં ગુજરાત જીતવામાં સફળ રહ્યું છે. એટલે કે ચેન્નઈ ગુજરાત સામે પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે. ગુજરાતનો કેપ્ટન હાર્દિક ચેન્નઈના કેપ્ટન ધોનીને પોતાનો મેન્ટર અને રોલ મોડલ માને છે. આ સીઝનની પ્રથમ મેચ CSK અને GT વચ્ચે રમાઈ હતી જેમાં ગુજરાતે ચેન્નઇને હરાવ્યું હતું. ગુજરાતનો પાંચ વિકેટે વિજય થયો હતો.
ગુજરાતની ટીમ પણ ચેન્નઈની જેમ પ્લેઈંગ ઈલેવનમાં વધુ ફેરફારો કરવામાં રસ ધરાવતી નથી. ગુજરાત ટાઇટન્સે ચેપોક ખાતે આ સીઝનમાં એક પણ મેચ રમી નથી. પાવરપ્લેમાં દીપક ચહરની બોલિંગ અને ડેથ ઓવર્સમાં મતિષા પથિરાનાના પ્રદર્શનની પણ પરિણામ પર ખાસ અસર પડશે. ગુજરાત પ્લેઈંગ ઈલેવનમાં આયરલેન્ડના જોશુઆ લિટલનો પણ સમાવેશ કરી શકે છે.
ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડ સારા ફોર્મમાં છે. રહાણે અને શિવમ દુબેએ સીઝનમાં અત્યાર સુધી સારુ પ્રદર્શન કર્યું છે. જોકે, અનુભવી મોહમ્મદ શમી અને રાશિદ ખાનનો સામનો કરવો ચેન્નઈના બેટ્સમેનો માટે આસાન નહીં હોય.
જો મેચ માટે પિચને સપાટ બનાવવામાં આવશે તો સ્પિનરોની ભૂમિકા મહત્વની બની જશે. જો ચેન્નઈ પાસે રવિન્દ્ર જાડેજા, મોઈન અલી અને તિક્ષ્ણાના રૂપમાં સારા સ્પિનરો છે. તો ટાઈટન્સ પાસે રાશિદ અને નૂર અહેમદ છે. અફઘાનિસ્તાનના બંને સ્પિનરોએ આ સીઝનમાં અત્યાર સુધી સારો દેખાવ કર્યો છે.