ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા જાહેર કરાયેલ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ચિત્રકલા, શિલ્પકલા અને છબિકલા ક્ષેત્રે વિશિષ્ટ અને ગણનાપત્ર યોગદાન પ્રદાન કર્યું હોય, અને ગુજરાતમાં સ્થાયી થયેલા હોય તેવા ગુજરાતના કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.
જે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ થી વર્ષ ૨૦૧૯-૨૦ સુધીના ગૌરવ પુરસ્કાર એનાયત કરવા માટે રાજ્યના ૩૧ કલાકારની પસંદગી કરી તેમના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે, તેમ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી-અમદાવાદના સચિવની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વધુમાં જણાવ્યાનુસાર, આગામી તા. ૮મી જૂનના રોજ વિશંકર રાવળ કલા ભવન-અમદાવાદ ખાતે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગૌરવ પુરસ્કૃત કલાકારોની કલાકૃત્તિઓના પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ કલાકારોને મંત્રી અને મહાનુભાવોના હસ્તે ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવાનો સમારોહ ઠાકોરભાઈ દેસાઈ હોલ-અમદાવાદ ખાતે યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌરવ પુરસ્કૃત કલાકારોને રૂ.૫૧,૦૦૦ ના રોકડ પુરસ્કાર, શાલ તથા તામ્રપત્રથી સન્માનિત કરવામાં આવશે.