નવસારીના વિજલપોરના રાધાનગર વિસ્તારમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને દારૂનું વેચાણ કરનારા 2 શખ્સની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે ઘટના સ્થળેથી રૂ. 26 હજારના દારૂ સહિત કુલ 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ટાઉન પોલીસ સ્ટેશનને આગળની તપાસ સોંપવામાં આવી છે.
1 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે ટીમે વિજલપોરના રાધાનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પોલીસ કાર્યવાહી કરી દારૂનું વેચાણ કરતા આરોપી દશરથ બદ્દલ તથા શનિ શિંદેની ધરપકડ કરી હતી અને ઘટના સ્થળેથી રૂ. 26 હજારનો દારૂ અને મોબાઇલ, રોકડ સહિત અન્ય સામાન મળી કુલ રૂ. 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા અન્ય એક મહિલા આરોપી અનુપમા ઉર્ફે અનુ વિષ્ણુ લક્ષ્મણભાઈ બદ્દલ ફરાર હોવાથી તેણે વોન્ટેડ જાહેર કરાયો હતો.
સ્થાનિક પોલીસના વલણ સામે સવાલ
આ મામલે વધુ તપાસ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવતા પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશન સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ વિજલપુરમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે સ્થાનિક પોલીસના વલણને લઈને પણ જિલ્લા પોલીસવડા શિક્ષાત્મક કાર્યવાહી કરે છે કે કેમ તે અંગે પોલીસ બેડામાં ગણગણાટ શરૂ થયો છે.