અમદાવાદના વાડજમાં એક યુવતીને લીવ ઇન રિલેશનશીપમાં રહેવું ભારે પડ્યું છે. યુવતી જે યુવક સાથે રહેતી હતી તેના પિતાએ તેની પત્નીની હાજરીમાં યુવતીની સાડી ખેંચી બાથમાં ભીડી લીધી હતી અને શારીરિક અડપલા પણ કર્યા હતા. જો કે આ ઘટના બાદ જ્યારે યુવક અને યુવતી અલગ રહેવા માટે ગયા તો ત્યાં પણ પિતાએ ઘરે આવીને યુવતી સાથે શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે.
એક યુવતીએ મિત્ર અને તેના માતા-પિતા વિરુદ્ધમાં વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફેબ્રુઆરીમાં યુવતી અને યુવક મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા. જો કે માત્ર છ મહીના બાદ તેનો મિત્ર અવારનવાર ગંદી ગાળો બોલીને મારઝૂડ કરતો હતો અને કહેતો હતો કે તારી આગળ-પાછળ કોઇ નથી તારે મારી સાથે જ રહેવાનું છે. આ સાથે યુવક યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. જો કે યુવકના પિતા પણ યુવતી સાથે મારઝૂડ કરતા હતાં. એટલું જ નહીં યુવકના પિતા તેની માતાની હાજરીમાં યુવતીની સાડી ખેંચી બાથ ભીડી દીધી હતી અને શારિરિક અડપલા કર્યા હતાં.
આ મામલે યુવતીએ યુવકને જાણ કરતાં બંન્ને અલગ રહેવા માટે ગયા હતાં. દરમિયાન જ્યારે યુવતી ઘરે એકલી હતી ત્યારે યુવકના પિતા ત્યાં આવ્યા હતા અને યુવતી સાથે શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી. જો કે આ મામલે યુવતીએ યુવકને કહ્યું તો તેણે કહ્યું કે આવું તો થશે તારાથી થાય તે કરી લે જે. સાથે જ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. કંટાળીને યુવતીએ યુવક અને તેના માતા-પિતા વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.