અમદાવાદમાં આજે વહેલી સવારે મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જો કે, થોડા દિવસ પહેલા પણ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ચોમાસું તો હજુ શરૂ પણ ન થયું ત્યારે મહાનગરપાલિકાની પોલ ખુલી પડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાનું સમારકામ ન કરાતા આજે સવારે પડેલા વરસાદમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જો કે, વાડીનાથ ચોક ખાતે ચાર દિવસથી ભૂવો પડી જતા માર્ગ વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. આથી ડાઇવર્ઝન આપતા વાહનચાલકોને ફરીને જવી પડે છે. ત્યારે રસ અવર્સમાં ત્યાં ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ તંત્ર દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી એવો આરોપ લોકો કરી રહ્યા છે. બીજી તરફ મણિનગરમાં આવેલા જવાહર ચોક પાસે પણ પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
આ સિવાય શહેરના ખોખરા બ્રિજ પાસે ઘૂંટણસમા પાણી ભરાતા લોકોએ બ્રિજ તોડીને રસ્તો ખુલ્લો કરવાની માગ કરી છે. બીજી તરફ પકવાન ચાર રસ્તા પાસે પણ ડાયવર્ઝનના બેરિકેડ્સ ઉડીને નીચે પડ્યા હતા. સારંગપુરની તળીયાની પોળમાં જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જ્યારે વિરાટનગરમાં ભૂવો પડતાં લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે