ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ લંડનમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડી અજિંક્ય રહાણેએ આ મેચમાં એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તેણે ટેસ્ટ કારકિર્દીના 100 કેચ પૂરા કર્યા. રહાણે ટેસ્ટ ફોર્મેટમાં ભારત તરફથી સૌથી વધુ કેચ લેવાના મામલે 7મા નંબર પર છે. ટીમ ઈન્ડિયાએ મેચના બીજા દિવસના અંત સુધી 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવી લીધા છે.
ઓસ્ટ્રેલિયાએ મેચના બીજા દિવસે ઓલઆઉટ થાય ત્યાં સુધી 469 રન બનાવ્યા હતા. આ પહેલા પેટ કમિન્સ અને બોલેન્ડના રૂપમાં ટીમની છેલ્લી જોડી મેદાન પર હતી. સિરાજના બોલ પર કમિન્સે શોટ રમ્યો, બોલ રહાણે સુધી પહોંચ્યો. તેણે કોઈપણ ભૂલ વગર કેચ લીધો હતો. આ રીતે કમિન્સ આઉટ થયો. તેના આઉટ થતાની સાથે રહાણેએ કેચ પકડવાની સદી પૂરી કરી હતી. તેણે અત્યાર સુધી રમાયેલી 158 ટેસ્ટ ઇનિંગ્સમાં 100 કેચ પકડ્યા છે. આ દરમિયાન એક ઇનિંગમાં સૌથી વધુ 5 કેચ લેવામાં આવ્યા છે.
ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. તેણે 163 મેચમાં 209 કેચ પકડ્યા છે. VVS લક્ષ્મણ બીજા નંબર પર છે. તેણે 134 મેચમાં 135 કેચ પકડ્યા છે. ત્રીજા નંબર પર સચિન તેંડુલકર છે. તેણે 200 મેચમાં 115 કેચ પકડ્યા છે. વિરાટ કોહલી 109 કેચ સાથે ચોથા નંબર પર છે.
ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે પ્રથમ દાવમાં ઓલઆઉટ થવા સુધી 469 રન બનાવ્યા છે. બીજી તરફ ભારતીય ટીમે 151 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી છે. ભારત તરફથી અજિંક્ય રહાણે 29 રન બનાવીને અણનમ છે. શ્રીકર ભરતે 5 રન બનાવ્યા છે.
નાથન લિયોને ભારતીય ઇનિંગ્સ દરમિયાન શાનદાર બોલિંગ કરી હતી. તેણે 2 ઓવરમાં 4 રન આપીને એક વિકેટ લીધી હતી. બોલેન્ડે 11 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લીધી હતી. તેણે 4 મેડન ઓવર પણ લીધી. મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને કેમેરોન ગ્રીનને પણ એક-એક વિકેટ લીધી હતી.