રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાશે સી.પી.આર. પ્રશિક્ષણ કેમ્પ: ૧૪૦૦ પોલીસને અપાશે પ્રાથમિક સારવારની તાલીમ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં તા.૧૧ જૂન રવિવારના રોજ પી.ડી.યુ મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ ખાતે સી.પી.આર. “કાર્ડીઓ પલ્મોનરી રીસર્સીટેશન” તાલીમ કેમ્પ સવારે ૯.૩૦ કલાક થી સાંજે ૫ કલાક સુધી યોજાશે, જેનું આયોજન ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ અને રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે. આ સી.પી.આર. કેમ્પમાં આશરે ૧૪૦૦ પોલીસ જવાનોને તાલીમ અપાશે. આકસ્મિક સમયે આવતા હાર્ટ એટેક અને શ્વાસની તકલીફ અનુભવતા પીડીત વ્યક્તિના જીવ બચાવવાની પ્રાથમિક સારવાર ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ દ્વારા પોલીસ સ્ટાફને સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. તેમજ પોલીસના જવાનો ‘અંગદાન એ મહાદાનના સુત્રને સાર્થક’ કરતો મહાસંકલ્પ કરશે. આ કેમ્પમાં મેયર શ્રી પ્રદીપ ભાઈ ડવ, ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, કલેકટર શ્રી પ્રભવ જોશી, ડી.ડી.ઓ. શ્રી દેવ ચૌધરી, રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.