ગુજરાતના અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર એક મોટી દુર્ઘટના બની છે. જેમાં નવ લોકોના મોત થયા છે. આ સિવાય 20 જેટલા લોકો ઘાયલ થયા છે. આ ગોઝારી ઘટનામાં બે પોલીસકર્મી સહિત નવ લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. એસયુવી કાર (થાર) અને ડમ્પર વચ્ચેની ટક્કર બાદ જગુઆર કાર પણ ત્યાં અથડાઈ ગઈ હતી. જગુઆરે થાર અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત જોવા આવેલા ટોળાને કચડી નાખ્યા હતા. હવે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે કે કારમાં કોણ સવાર હતું?
મળતી માહિતી મુજબ, જગુઆર કાર લગભગ 160 kmphની ફુલ સ્પીડથી આવી હતી. આટલી સ્પીડમાં આવી રહેલી કારે થયો અકસ્માત જોનારા લોકોને કચડી નાખ્યા હતા. કારની ટક્કરથી આ લોકોને 30 ફૂટ સુધી ફેંકાઈ ગયા હતા. આ અકસ્માત બાદ લોકોની ચીસોથી સમગ્ર વિસ્તારમાં શોક ફેલાઈ ગયો હતો. ઘાયલોને સારવાર માટે સોલા સિવિલ અને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
મૃતકોના પરિજનોમાં શોક
આ અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનો રડી-રડીને બેહાલ હાલતમાં પહોંચી ગયા છે. આ પરિવારોની એક જ માંગ છે કે તેમના સ્વજનોના મૃત્યુ માટે ન્યાય મળવો જોઈએ અને જેઓ એસયુવીમાં હતા તેમને સજા મળવી જોઈએ. મૃતકોમાં સુરેન્દ્રનગર, બોટાદના યુવાનો પણ હતા. આ સિવાય બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર પોલીસ જવાનનું પણ ઘટના સ્થળે મૃત્યુ થયું.