મણિપુરમાંથી માનવતાને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે. પુરૂષોના એક જૂથે બે યુવતીઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવી હતી આ પછી તેઓ તેને ખેતરમાં લઈ ગયા અને તેના પર સામૂહિક બળાત્કાર કર્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ રાજયમાં તંગદિલી ફેલાઈ ગઈ છે.કહેવામાં આવી રહ્યું છે કે રેપ અને મારપીટ બાદ મહિલાઓ બોલી પણ શકતી નથી.
ઈન્ડિજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ દાવો કર્યો હતો કે ૪ મેના રોજ નગ્ન પરેડ કર્યા બાદ ડાંગરના ખેતરમાં બંને મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. મણિપુરમાં બે મહિલાઓની ક્રૂરતાના વીડિયોએ દેશભરમાં આઘાત મચાવ્યો છે. ખેલાડીઓથી લઈને બોલિવૂડ અને રાજકીય પક્ષોના નેતાઓ આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. વિરાટ, કોહલી, અક્ષય કુમાર સહિત ઘણા બોલિવૂડ કલાકારો અને ખેલાડીઓએ આ મામલાને શરમજનક ગણાવીને સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કેન્દ્ર સરકારને આ મામલે પગલાં લેવા સૂચના આપી છે. ચીફ જસ્ટિસે સ્પષ્ટ કહ્યું છે કે જો સરકાર કાર્યવાહી નહીં કરે તો અમે કાર્યવાહી કરીશું.
વાસ્તવમાં, આ ઘટના રાજધાની ઇમ્ફાલથી લગભગ ૩૫ કિલોમીટર દૂર કંગપોકપી જિલ્લામાં ૪ મેના રોજ બની હતી. કુકી સમુદાયની બે મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, તેમને નગ્ન કરીને ટોળા દ્વારા રસ્તા પર પરેડ કરવામાં આવી હતી, જેનાથી દેશભરમાં રોષ ફેલાયો હતો. તેનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મણિપુર હિંસા અને મહિલાઓ સાથેની આ બર્બરતા પર વિપક્ષથી લઈને સામાન્ય લોકો પીએમ મોદી વિરૂદ્ધ બોલવા અને કાર્યવાહી કરવા માટે અવાજ ઉઠાવી રહ્યા હતા.
હવે આ ભયાનક વીડિયોએ બધાને હચમચાવી દીધા છે. દિવસ દરમિયાન ૨ મહિલાઓની ખુલ્લેઆમ નગ્ન પરેડ કરવામાં આવી રહી છે. મહિલાઓની સાથે પુરુષોનું ટોળું ચાલતું જોવા મળે છે. ભીડમાં ચાલતા ગુંડાઓ છોકરીને થપ્પડ મારી રહ્યા છે, તેના પ્રાઈવેટ પાર્ટને બળપૂર્વક સ્પર્શ કરી રહ્યા છે. કુકી સંગઠન ILTFનું કહેવું છે કે આ બંને પીડિતો કુકી સમુદાયના હતા. સંગઠને એવો પણ દાવો કર્યો હતો કે મેઇટી સમુદાયના ટોળાએ મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ઉતારી દીધા હતા અને પછી તેમને ડાંગરના ખેતરમાં લઈ ગયા હતા અને તેમની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો.
સંગઠને જણાવ્યું હતું કે, ‘આજે વાયરલ થયેલા એક વીડિયોમાં મેઇતેઇનું મોટું ટોળું બે કુકી-ઝો આદિવાસી મહિલાઓને નગ્ન અવસ્થામાં ડાંગરના ખેતરમાં ગેંગ-રેપ માટે લઈ જાય છે. આ ઘૃણાસ્પદ દ્રશ્ય ૪ મેના રોજ કાંગપોકપી જિલ્લામાં બન્યું હતું. તે દર્શાવે છે કે પુરુષો સતત લાચાર મહિલાઓની છેડતી કરી રહ્યા છે, જેઓ રડી રહી છે અને તેમને છોડી દેવાની વિનંતી કરી રહી છે. ILTFએ રાષ્ટ્રીય મહિલા આયોગ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગને પગલાં લેવાની અપીલ કરતાં કહ્યું, ‘આ નિર્દોષ મહિલાઓ દ્વારા સહન કરવામાં આવતી ભયાનક યાતનામાં ગુનેગારો દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરવાથી વધુ વધારો થયો છે. વીડિયો પીડિતોની ઓળખ દર્શાવે છે.’
મણિપુરની આ ભયાનક ઘટના પર પોલીસનું નિવેદન આવ્યું છે. મણિપુર પોલીસે કહ્યું કે ૪ મે, ૨૦૨૩ના રોજ અજાણ્યા હથિયારબંધ બદમાશો દ્વારા ૨ મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવાનો વાયરલ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે. આ સંબંધમાં નોંગપોક સેકમાઈ પીએસ (થોબલ જિલ્લો) ખાતે અજાણ્યા સશષા બદમાશો વિરૂદ્ધ અપહરણ, ગેંગરેપ અને હત્યા વગેરેનો કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ શરૂ કરવામાં આવી છે. રાજય પોલીસ આરોપીઓને વહેલી તકે પકડવાના તમામ પ્રયાસો કરી રહી છે. રાજય પોલીસ અને કેન્દ્રીય દળોએ બંને ખીણ અને પહાડી જિલ્લાઓના વિવિધ સંવેદનશીલ અને સરહદી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
દરમિયાન, રાજકીય નેતાઓ અને અન્ય લોકોએ મણિપુરની ઘટના પર શોક વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પર ગયા અને કેન્દ્ર અને રાજય સરકારને આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકો સામે પગલાં લેવા કહ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મણિપુરથી આવી રહેલી મહિલાઓ સામેની યૌન હિંસાની તસવીરો હૃદયને હચમચાવી દેનારી છે. મહિલાઓ સામેની હિંસાની આ ભયાનક ઘટનાની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. મહિલાઓ અને બાળકો સમાજમાં સૌથી વધુ હિંસાનો ભોગ બને છે. મણિપુરમાં શાંતિ માટેના પ્રયાસોને આગળ વધારતા આપણે બધાએ એક અવાજે હિંસાની નિંદા કરવી પડશે. મણિપુરની હિંસક ઘટનાઓ સામે કેન્દ્ર સરકાર, વડાપ્રધાન કેમ આંખ આડા કાન કરીને બેઠા છે? શું આવી તસવીરો અને હિંસક ઘટનાઓ તેમને પરેશાન નથી કરતી?
દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘મણિપુરમાં બનેલી ઘટના અત્યંત શરમજનક અને નિંદનીય છે. ભારતીય સમાજમાં આવા જઘન્ય કૃત્યને સહન કરી શકાય નહીં. મણિપુરમાં સ્થિતિ ઘણી ચિંતાજનક બની રહી છે. હું વડા પ્રધાનને મણિપુરની સ્થિતિ પર ધ્યાન આપવાની અપીલ કરૂં છું. આ ઘટનાના વીડિયોમાં દેખાતા દોષિતો સામે કડક કાર્યવાહી કરો. ભારતમાં આવા ગુનાહિત પ્રકૃતિના લોકોને કોઈ સ્થાન ન હોવું જોઈએ.
આ વીડિયો ‘ઇન્ડિજીનલ ટ્રાઇબલ લીડર્સ ફોરમ’ની પ્રસ્તાવિત કૂચના એક દિવસ પહેલા સામે આવ્યો છે. ITLF દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ ઘટના ૪ મેના રોજ ઇમ્ફાલથી લગભગ ૩૫ કિલોમીટર દૂર કાંગપોકપી જિલ્લામાં બની હતી. ITLF ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વીડિયોમાં જોવા મળે છે કે પુરુષો સતત લાચાર મહિલાઓની છેડતી કરી રહ્યા છે અને મહિલાઓ રડી રહી છે અને તેમની સાથે આજીજી કરી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
આ ઘૃણાસ્પદ કૃત્યની નિંદા કરતા એક નિવેદનમાં પ્રવક્તાએ કેન્દ્ર અને રાજય સરકારો, રાષ્ટ્રીય મહિલા આયોગ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગે ગુનાની સંજ્ઞાન લે અને ગુનેગારો સામે પગલાં લેવાની માંગ કરી. કુકી-જો આદિવાસીઓ ગુરુવારે ચર્ચંદપુરમાં તેમની સૂચિત વિરોધ કૂચ દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવાની યોજના બનાવી રહ્યા છે.
મણિપુરમાં અનુસૂચિત જનજાતિના દરજ્જાની મેઇતેઈ સમુદાયની માંગના વિરોધમાં ૩ મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદીવાસી એકતા કૂચ’નું આયોજન કરવામાં આવ્યું તે પછી અથડામણો શરૂ થઈ. ત્યારથી અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.