ટામેટાના ભાવ હજુ પણ કાબૂમાં નથી, આ દરમિયાન આદુએ રોષ દર્શાવવાનું શરૃ કર્યું છે. દેશના બીજા સૌથી મોટા આદુ ઉત્પાદક કર્ણાટકમાં તે ૪૦૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. કિંમતો અભૂતપૂર્વ સ્તરે વધવા સાથે, કર્ણાટકમાં ખુલ્લા બજારમાં એક કિલો આદુની કિંમત હવે રૂ. ૩૦૦ થી રૂ. ૪૦૦ વચ્ચે છે.
જણાવી દઈએ કે નાણાકીય વર્ષ ૨૦૨૨ દરમિયાન મધ્યપ્રદેશ ભારતમાં આદુનું સૌથી વધુ ઉત્પાદન કરતું હતું. કર્ણાટક રાજ્ય રાયથા સંઘના મૈસુર જિલ્લા એકમે અહેવાલ આપ્યો છે કે આદુની ૬૦ કિલોની થેલી, જે અગાઉ ૨૦૨૨માં રૂ. ૨,૦૦૦ થી રૂ. ૩,૦૦૦ની નજીવી કિંમતે વેચાતી હતી, તે હવે રૂ. ૧૧,૦૦૦માં મળી રહી છે.
આદુના ભાવમાં વધારો મૈસુર પ્રદેશ અને મલનાડ જિલ્લાઓમાં આદુના ઉત્પાદકો માટે વરદાન સમાન છે, જેઓ હવે ગત સિઝનના પાકનો લાભ ઉઠાવી રહ્યા છે. નવી લણણી કરેલ સ્ટોક પણ બજારમાં રેકોર્ડ ભાવ મેળવી રહ્યો છે.
KRRSના મૈસુર જિલ્લા એકમના પ્રમુખ અને હુનસુર તાલુકાના આદુ ઉત્પાદક હોસુર કુમારે જણાવ્યું હતું કે આદુના ભાવમાં આ ઉછાળો છેલ્લા એક દાયકામાં અભૂતપૂર્વ ઘટના છે. આદુના ભાવ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી જતા સમગ્ર દેશમાં આદુની ચોરીના અહેવાલો પણ વધી રહ્યા છે.