શાળાઓમાં નવા અભ્યાસ સત્રના પ્રારંભે જ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ ગોઠવવામાં આવતા હોય છે. રાજકોટની એસ.એન.કે, ઇનોવેટિવ, સનશાઈન, કે.ટી સ્મારક નિધિ ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળાઓના જુલાઈ માસમાં તા. ૧૫-૧૮ દરમ્યાન ૬૧૨ જેટલા વિદ્યાર્થીઓએ રાજકોટની ધરોહર સમાન વોટસન સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. હાલ અનેક શાળાના વિદ્યાર્થીઓ મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યાં છે.
આ તકે મ્યુઝીયમના ક્યુરેટરશ્રી સંગીતાબેન રામાનુજ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ભવ્ય ઇતિહાસ અને સંગ્રહાલયની સ્થાપના અને તેની ખાસિયતો અંગે માહિતી આપવામાં આવી હતી, અને વિદ્યાર્થીઓના સવાલોના જવાબ પણ પુરા પાડવામાં આવ્યા હતા. દર વર્ષે વોટસન મ્યુઝીયમ ખાતે નવા સત્રના પ્રારંભે શાળાઓના વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે, આ વર્ષે પણ વિવિધ શાળાના ૬૧૨ વિધાર્થીઓએ શિક્ષકો સાથે મુલાકાત લીધી હતી.
તેઓની મુલાકાત બાદ મ્યુઝિયમ વિશેના “ચિટ-ચેટ સેશન” સાથે પ્રશ્નોત્તરીનું સેશન પણ યોજાયુ હતું. સંગ્રહાલયના ક્યુરેટરે માહિતી આપતા ઇતિહાસને જોડતા કહ્યું હતું કે “સંગ્રહાલય દરેક સમય અને સમાજના અરીસાને પ્રતિબિંબિત કરે છે” જેના દ્વારા આજની પેઢીમાં મૂલ્યોનું સ્થાપાન શક્ય બને છે. અહીંની મુલાકાત લેનાર વિદ્યાર્થીને ઉદભવતા પ્રશ્નો ઇતિહાસ અંગેનો તેમનો રસ સૂચવે છે.
આ વોટસન સંગ્રહાલયની સ્થાપના ઈ.સ.૧૮૮૮માં થઇ હતી. આ સંગ્રહાલય અનેક ઐતિહાસિક રસિકો અને અભ્યાસીઓને જાણકારી આપે છે. સંગ્રહાલયો ઇતિહાસ સાથે જોડાયેલી વિવિધ ઘટનાઓને જીવંત કરે છે જેથી અભ્યાસ સાથે તેને સરળ રીતે જોડી શકાય તેવું સબળ માધ્યમ છે.
આજની પેઢીને જ્ઞાન સાથે આપણી પ્રાચીન કલા, સંગીત સંસ્કૃતિ સહિતના ભવ્ય વારસાની ઝાંખી આ સંગ્રહાલયમાં પડેલી વિવિધ વિભાગોની વસ્તુઓમાંથી મળી રહે છે. જીનિયસ સ્કૂલના વિદ્યાર્થીની નિયતિ પંડ્યા અને રિશી લુણાગરિયાએ મ્યુઝિયમની મુલાકાત લઇ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે મ્યુઝિયમ ની મુલાકાત થકી અમે પુસ્તકના પન્નાને જીવંત નજરે જોઈ શકયા છીએ.
અહીં તમામ પુરાતત્વિક વસ્તુઓની ખુબ સરસ રીતે ગોઠવણી અને તેની સાચવણી કરાઈ છે. આ સંગ્રહાલય રાજકોટની ધરોહર સમાન છે, જેમાં અમે રાજ દરબારની મુલાકાત મેળવી અને રાજા શાહીનો કાળ કેવો ભવ્ય હશે એ સમજી શક્યા. સંગ્રહાલય એ વર્તમાન સાથે ભૂતકાળને સમજાવી અને તેમાંથી જીવનને ઘણું બધું શીખવે છે. આજે સંસ્કૃતિના મૂળ દરેકના જીવન સાથે જોડાયેલ રહ્યા છે.
તેને પણ વિશેષ યાદી અને વસ્તુઓને સંગ્રહ કરવાનો શોખ છે. પ્રાકૃતિક ઇતિહાસનો શબ્દ અનેક વાર સાંભળ્યો હતો પણ અહીં આવી આ નમૂનાઓ નિહાળી અમને તેના વિષે જાણકારી મળી હતી. અમારી મુલાકાત વિશેષ રહી હતી.