અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ અકસ્માતની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. પરંતુ, આ દુર્ઘટના પછી પણ અકસ્માતના બનાવ અટકાવવાનું નામ નથી લઈ રહ્યા. એક પછી એક બનાવના સમાચાર આપણી સામે આવતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદના સીજી રોડ ખાતે બની છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના સીજી રોડ પર વળાંક લેતી સમયે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક કારચાલકને ગંભીર ઇજાઓ થઈ છે. આથી તેણે તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે, અકસ્માત સર્જીને અન્ય કારચાલક ફરાર થયો હતો, જેની શોધ ટ્રાફિક પોલીસ કરી રહી છે. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ભેગા થતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.
ફરાર કારચાલક સામે ગુનો
આ અકસ્માત બાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરાર કારચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે. અકસ્માતને પગલે એક કાર ફૂટપાથ પર ચઢી ગઈ હતી આથી કારને પણ ઘણું નુકસાન થયું હતું હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.