અમદાવાદના સરખેજ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરની પુત્રવધુએ આપઘાત કર્યો છે. લગ્નના 3 માસમાં જ પરિણિતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. સુખી લગ્નજીવનના સપના જોઈને સાસરે ગયેલી યુવતીએ પતિના વ્યસનની લતથી કંટાળીને જીવનનો અંત કર્યો છે.
સરખેજમાં રહેતા ભાજપના કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્ર જય સાથે જાહ્નવીના લગ્ન થયા હતા. સાણંદમાં અર્બન હેલ્થ સેન્ટરમાં BAMS ડૉક્ટર તરીકે ફરજ બજાવતા જય પરમાર સાથે જાહ્નવીએ સુખી જીવનની શરૂઆત કરી હતી.
લગ્નના બીજા દિવસે જ પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી પરિચિત થતા પત્નીને આઘાત લાગ્યો હતો. આ વ્યસન લગ્ન જીવનમાં ઝઘડાનું મુખ્ય કારણ બન્યું હતું. ત્યાર બાદ અવાર નવાર જય પરમાર પત્ની જાહ્નવીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. કંટાળીને પત્ની જાહ્વવીએ માત્ર 3 માસનો લગ્ન જીવનનો અંત લાવી આત્મહત્યા કરી હતી.