વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે રવિવારે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી છે. આ અંતર્ગત ગુજરાતના 21 મળી દેશભરના કુલ 508 રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. રેલવે સ્ટેશનોને વધુ સુવિધાજનક અને અત્યાધુનિક બનાવવામાં આવશે.
આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, “રેલવેમાં જેટલું કામ થયું તેનાથી દરેક જણ ખુશ છે અને આશ્ચર્ય પણ છે. દક્ષિણ આફ્રિકા, યુક્રેન, પોલેન્ડ, યુકે અને સ્વીડન જેવા દેશો વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે. આ 9 વર્ષોમાં, દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો કરતાં આપણા દેશમાં વધુ રેલવે પાટા નાખવામાં આવ્યા છે. માત્ર છેલ્લા વર્ષમાં ભારતમાં વધુ રેલવે ટ્રેક નાખવામાં આવ્યા છે.
25 હજાર કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલપમેન્ટ
ઐતિહાસિક અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરમાં રેલવે સ્ટેશનોના શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવશે. અગાઉ શનિવારે, વડાપ્રધાને આ પગલાંની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ ‘ઇઝ ઑફ લિવિંગ’ ને વેગ આપશે અને આરામ તેમ જ સુવિધા વધારશે. પીએમ મોદીએ કહ્યું કે, આશરે રૂ. 25,000 કરોડના ખર્ચે કરવામાં આવનાર પુનઃવિકાસ દેશમાં જે રીતે રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કલ્પના કરવામાં આવે છે તે રીતે ક્રાંતિ લાવશે.
21 રેલવે સ્ટેશનનો શિલાન્યાસ
આજે પશ્ચિમ રેલવેના તમામ 23 રેલવે સ્ટેશનોનું અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન ખાતે વર્ચ્યુઅલ ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રેલવે સ્ટેશનોને વિશ્વ કક્ષા પ્રમાણે વિકસાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે સ્ટેશનની કાયાપલટ કરી છે. મુસાફરોની સુવિધાઓને ધ્યાને રાખીને આધુનિક સુવિધાઓ અને સ્વચ્છતા સાથેના રેલવે સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. આજે ગુજરાતમાં કુલ 87 રેલવે સ્ટેશનની પસંદગી કરાઈ હતી, જેમાંથી 21ના કામનો આજે શિલાન્યાસ કરવામાં આવશે.