દીપાવલી એટલે જ્ઞાનરૂપી અજવાસ ફેલાવવાનો ઉત્સવ.આજે જયારે ચારે તરફ માહિતીઓના સ્તોત્રો વ્યક્તિને જાગૃત કરવાં હરીફાઈ કરતાં હોય ત્યારે , બે ઘડી થોભીને આપણે જે જ્ઞાન મેળવીયે છીએ એ ક્યાંક આપણને ભટકાવની સ્થિતિમાં તો નથી મૂકતું ને ? એ વિચારવું પડશે. આટલાં બધા જ્ઞાનના માધ્યમો માણસને માણસથી જોજનો દૂર લઇ જશે ,એ સ્થિતિ વિષે પણ વિચારવું પડશે .આવા સમયે
વ્યક્તિ જયારે જ્ઞાન મેળવવાં પ્રયત્નશીલ થાય ,ત્યારે અંતરની આંતરિક શાંતિ ભુલાઈ કે વિસરાઈ ન જાય એનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે.જ્ઞાન મેળવવાની ધેલછા તમને એકાંકીપણાની સોગાત ન આપી દે તેનું ધ્યાન અવશ્ય રાખવું .એના માટે જેટલું વ્યવહારમાં મૂકી શકાય એટલું જ્ઞાન પામશો તો શાંતિ જરૂર મળશે . અહીં જ્ઞાન સાથે વિજ્ઞાનને ભેળવવામાં આવે તો જીવન સફળ થાય.વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન.આવા વિશેષ જ્ઞાન સાથે આગળ વધતાં જીવનની અમૂલ્ય ખુશીઓને માણવાની પૂરતી તકો મળી રહેશે એની મને ખાતરી છે.આજે જ્ઞાન અને વિજ્ઞાનના ભેદ વિષે જાણીયે.
માણસ સ્વંતત્ર ચિંતન- મનન તથા શાસ્ત્ર અધ્યયનને પરિણામે જે જાણકારી મેળવે છે , તેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે .એને એક પ્રકારની બૌદ્ધિક માહિતી ,પંડિતાઇ કે વિદ્ધતા પણ કહી શકાય. એ જ્ઞાન ,બુદ્ધિ અથવા મગજમાં કેદ થઇ રહેવાને બદલે જીવનના વ્યવહારમાં સાકાર બને તો જ એ વિજ્ઞાન બની શકે.તે માણસના રોજબરોજના અનુભવનું અવિભાજ્ય અંગ બને , એના રક્તમાં , ધમનીના ધબકારમાં કે શ્વાસોચ્છવાસમાં ભળી જાય અને જીવન સાથે સંમિશ્રિત થાય ત્યારે એ જ્ઞાન ….વિજ્ઞાન બને છે .
વિજ્ઞાન એટલે સાક્ષાત્કાર કરાયેલું અનુભવજ્ઞાન.જ્ઞાન અને વિજ્ઞાનમાં જમીન- આસમાનનો તફાવત છે.જો માણસ જ્ઞાન મેળવીને અટકી જાય તો તે વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ નથી કરી શકતો .આ પરિસ્થિતિ માં તેને મનવાંછિત શાંતિ ક્યારેય નથી મળતી.એના જીવનમાં સંવાદિતાની સ્થાપના નથી થતી.એના મનની શુભાશુભ વૃત્તિના ગજગ્રાહનો અંત નથી આવતો.પોતાનાં નિકટવર્તીઓ સાથેનું ઘર્ષણ વધતું રહે છે.
વિદ્ધતા ,પંડિતાઇ કે બૌદ્ધિક પ્રતિભાથી કદાચ આપણે એકબીજાને ચકિત કરી શકીયે છીએ ખરા , જીવનનો એક અલગ પ્રકારનો આનંદ પણ અનુભવી શકીયે …. પરંતુ એથી આગળ વધીને જીવન અને આદર્શ જીવન જીવ્યાનો સાચો સંતોષ નથી મેળવી શકાતો.
જીવનની અલ્પતા ,પરવશતા , મલિનતા અને વૈચારિક વૃદ્ધાવસ્થામાંથી મુક્તિ મેળવવાનું કામ અશક્ય બની જાય છે.જીવનમાં આપણને મળેલી સફળતાનો ઉત્સવ ઉજવી નથી શકતા.એટલા માટે માણસને માત્ર જ્ઞાન મેળવીને બેસી કેમ રહેવાનું ?એ જયારે જ્ઞાનને આચારમાં ઉતારે અને પોતીકાં અનુભવજ્ઞાનમાં પણ પ્રતિષ્ઠિત થાય ત્યારે તે જ્ઞાન બને છે અનુભવસિદ્ધ જ્ઞાન.
આપણે ત્યાં જ્ઞાનની કેટલીયે
શાખાપ્રશાખાઓ ખુલતી જાય છે ,વિદ્યાનાં વિવિધ ક્ષેત્રો ખેડાતાં જાય છે.બહારનું જ્ઞાન વધતું જાય છે … માણસ માહિતીના ભંડાર કે કેન્દ્ર જેવો બનતો જાય છે.
પુસ્તકાલયો , સંમેલનો અને કથા- કીર્તનોદ્વારા જ્ઞાનનું વિતરણ થતું રહે છે , છતાંય માણસના મનમાં શાંતિ નથી. સ્વ સાથે સંવાદ થઇ નથી શકતો. માણસની અભિવ્યક્તિમાં સ્થિરતા દેખાતી નથી, ત્યારે ઘડીભરને માટે પ્રશ્ન થાય છે કે એનું કારણ શું ?
જીવનને જ્યોતિર્મય કરવા વિજ્ઞાનનું વ્યવહારિક આચરણ નથી કરાતું.વ્યક્તિના આચાર અને વિચાર વચ્ચેની ખાઈ મોટી થતી જાય છે.બુદ્ધિમાન માનવના જીવનની એક સમસ્યા છે ,એણે રચેલું એક કાલ્પનિક વિશ્વ છે ,જ્યાં અન્યના અસ્તિત્વની નોંધ તીરછી નજરે લેવાય છે.
મારા મતે મનની શાંતિ માટે બહુ મોટી બૌદ્ધિક પ્રતિભાની કે તર્કશક્તિની જરૂર નથી.એવું જ્ઞાન જેને જીવનમાં ઉતારી શકીયે એટલું મેળવો એ પર્યાપ્ત છે.અનુભૂતિ સિવાયની સમજ કોઇનુંયે કલ્યાણ કરી શક્તિ નથી.જ્ઞાન જયારે અહંકાર સાથે વિકસતું જાય ત્યારે ચારિત્ર્યનિમાર્ણનું કાર્ય ધીમું પડતું જાય છે.
જ્ઞાન આપણને કોઈપણ આપી શકે પણ વિશેષ જ્ઞાન મેળવવા તો અનુભૂતિના પ્રદેશમાં પ્રવેશવું પડે.જીવનમાં
શાંતિ મેળવવા અને આત્માના અભ્યુત્થાન
માટે આટલું તો આપણે કરી જ શકીયે.અજ્ઞાનરૂપી
અરણ્યમાં એક ટમટમતો દીવો એટલે વિજ્ઞાનનો પરિપક્વતા સાથેનો સ્વીકાર.આ સ્વીકાર અમાસની આ રાતને પણ જરૂર ઝળહળતી બનાવશે.
લેખક:બીના પટેલ