બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમી ફાઈનલની મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ૭૦ રનોથી હરાવ્યું હતું. સેમી ફાઈનલ જીત સાથે ભારત ફાઈનલમાં આવ્યું છે. પહેલા બેટિંગ કરીને ભારતે ૫૦ ઓવરમાં ૪ વિકેટમાં ૩૯૭ જેટલો હાઈ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે ૪૮.૫ ઓવરમાં ૩૨૭ રનમાં ઓલઆઉટ થઈ હતી.
૩૯૭ રનના હાઈ સ્કોરમાં કોહલી અને શ્રેયર અય્યરની સદીએ મોટું યોગદાન આપ્યું હતું. કોહલીએ ૧૧૭ અને અય્યરે ૧૦૪ અને ગિલે ૮૦ રન બનાવ્યાં હતા. કેપ્ટન રોહિત શર્મા વીજળીક ઝડપે ૪૭ રન બનાવીને આઉટ થયો હતો પરંતુ આઉટ થતાં પહેલા રોહિતે વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.
કોહલીએ ફટકારી 50મી વનડે સદી: સેમી ફાઈનલમાં કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૫૦મી સદી ફટકારીને સચિન તેંડુલકરનો ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સચિનને નામે ૪૯ સદી છે જ્યારે હવે વિરાટની ૫૦ થઈ છે એટલે વિરાટે સચિનનો ૪૯ સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
મોહમ્મદ શમીએ ઝડપી ૭ વિકેટ: મોહમ્મદ શમીએ આ મેચમાં પણ કમાલ કરી દેખાડી હતી. શમીએ ૭ વિકેટ ઝડપી હતી. સૌથી પહેલા ડેવેન કોન્વે, ત્યાર બાદ રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન અને ટોમ લાથમને પેવેલિયન ભેગા કર્યાં હતા, ત્યાર બાદ પણ બીજા બે ખેલાડીઓને આઉટ કર્યાં હતા.
ન્યૂઝીલેન્ડની ઈનિંગ કેવી રહી ? ૩૯૮ રનનો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડે ટીમની શરુઆત સારી રહી હતી. ન્યૂઝીલેન્ડ વતી ડેરેલ મિચેલ રમી ગયો હતો, તેણે વિસ્ફોટક સદી બનાવી હતી અને વિકેટ જાળવી રાખી હતી. કેપ્ટન વિલિયમસને ૬૯ રન બનાવ્યાં હતા. પણ બાકીના ખેલાડીઓ ભારતની ઘાતક બોલિંગ સામે ટકી શક્યા નહોતા.
૧૯મી નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ: ભારત ૧૯મી નવેમ્બરે અમદાવાદમાં નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ ઉપર બીજી સેમી ફાઈનલ જીતનારી ટીમ સામે ફાઈનલ મુકાબલો રમશે.
૨૦૧૯ની હારનો બદલો લીધો: ભારતે સેમી ફાઈનલ જીતીને ન્યૂઝીલેન્ડ સામે ૨૦૧૯ની હારનો બદલો લીધો છે. ૨૦૧૯ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું.
