રાજકીય ગરમાવા બાદ આખરે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું હતું કે, હવે સાથે રહેવું મુશ્કેલ છે અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. બેઠક બાદ તેઓ રાજીનામું આપવા રાજભવન જવા રવાના થયા અને પછી રાજ્યપાલને રાજીનામું આપ્યું છે.
નીતિશ કુમારે રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. હવે બીજેપી ધારાસભ્યો થોડીવારમાં સીએમ આવાસ પહોંચશે. આજે જ નીતિશ કુમાર નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
નીતિશ કુમારે આજે રાજીનામું આપ્યા બાદ હવે સાંજ સુધીમાં મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા શપથ ગ્રહણમાં હાજરી આપી શકે છે. બીજી તરફ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ પોતાના નેતાઓ અને ધારાસભ્યો સાથે સતત બેઠકો કરી રહ્યા છે. ધારાસભ્યોની બેઠકમાં તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં મોટી રમત થવા જઈ રહી છે.
નીતીશ કુમારના આ પગલાને INDIA ગઠબંધન માટે સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે જેના તેઓ પોતે આર્કિટેક્ટ રહ્યા છે. બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ આજે પૂર્ણિયામાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજભવન પહોંચી રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. NDAના સમર્થન સાથે આજે જ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે
બિહાર વિધાનસભાની હાલની સ્થિતિ
બિહાર વિધાનસભાની સંખ્યાની રમત વિશે વાત કરીએ તો 243 સભ્યોના ગૃહમાં બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડો 122 ધારાસભ્યોનો છે. લાલુ યાદવની આગેવાની હેઠળની RJD 79 સભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે, જ્યારે ભાજપ 78 ધારાસભ્યો સાથે બીજા સ્થાને છે. નીતિશ કુમારની પાર્ટી JDU 45 ધારાસભ્યો સાથે ત્રીજી પાર્ટી છે. કોંગ્રેસ પાસે 19 અને ડાબેરીઓ પાસે 16 ધારાસભ્યો છે. જો આપણે RJD, કોંગ્રેસ અને ડાબેરીઓના ધારાસભ્યોની સંખ્યા ઉમેરીએ તો કુલ સભ્યોની સંખ્યા 114 સુધી પહોંચે છે, જે બહુમત માટે જરૂરી જાદુઈ આંકડા કરતા આઠ ઓછી છે.
નીતિશ કુમારે ક્યારે યુ-ટર્ન લીધો?
નીતીશ કુમારે 1994માં જનતા દળથી અલગ થઈને સમતા પાર્ટી બનાવી હતી. આ પછી 30 ઓક્ટોબર 2003ના રોજ જનતા દળ યુનાઈટેડની રચના થઈ અને 2005ની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું. 2013માં ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું.
આ પછી નીતીશ કુમારે વર્ષ 2015માં RJD અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2017માં નીતિશે RJD છોડીને ફરી એકવાર ભાજપમાં જોડાયા હતા.
ચાર વર્ષ પછી નીતીશ કુમારે વર્ષ 2022માં ફરી એકવાર ભાજપ છોડીને RJD સાથે હાથ મિલાવ્યા. હવે ફરી દોઢ વર્ષ બાદ નીતિશ RJD છોડીને ભાજપ સાથે ગઠબંધન કરે તેવી અટકળો ચાલી રહી છે.
