September 21, 2026
રમતગમત

ટીમ ઈન્‍ડિયાએ ઈંગ્‍લેન્‍ડને હરાવી ટી૨૦ વર્લ્‍ડ કપની ફાઇનલમાં જગ્‍યા બનાવી, ૨૯ જૂને ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે

ટીમ ઈન્‍ડિયાએ ઈંગ્‍લેન્‍ડને હરાવી ટી૨૦ વર્લ્‍ડ કપની ફાઇનલમાં જગ્‍યા બનાવી લીધી છે. આ ત્રીજી વખત છે જયારે ટીમ ઈન્‍ડિયા ટી૨૦ વર્લ્‍ડ કપની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા વર્ષ ૨૦૦૭માં અને ફરીથી ૨૦૧૪માં ટીમ ઈન્‍ડિયાએ ટી૨૦ વર્લ્‍ડ કપની ફાઈનલમાં જગ્‍યા બનાવી હતી. ગયાનામાં રમાયેલી બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્‍લેન્‍ડને ૬૮ રને હરાવીને વિજય અભિયાન ચાલુ રાખ્‍યું હતું. ઈંગ્‍લેન્‍ડને જીતવા માટે ૧૭૨ રનનો ટાર્ગેટ હતો. પરંતુ ભારતીય સ્‍પિન બોલિંગની સામે ઈંગ્‍લેન્‍ડની આખી ટીમ ૧૬.૪ ઓવરમાં માત્ર ૧૦૩ રન બનાવીને પડી ભાંગી હતી. ઇંગ્‍લેન્‍ડની લાચાર બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના માટે હેરી બ્રુકે સૌથી વધુ ૨૫ રનની ઇનિંગ રમી હતી. બ્રુક સિવાય જોસ બટલરે ૨૩ રન બનાવ્‍યા હતા. ઈંગ્‍લેન્‍ડના ૭ બેટ્‍સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્‍યા નથી.

ભારત તરફથી કુલદીપ યાદવ અને અક્ષર પટેલે ૩-૩ વિકેટ લીધી હતી. આ બે સિવાય જસપ્રીત બુમરાહે ૨ વિકેટ લીધી હતી. આ સાથે ટીમ ઈન્‍ડિયાએ વર્ષ ૨૦૨૨માં ઈંગ્‍લેન્‍ડ સામે ૧૦ વિકેટથી મળેલી કારમી હારનો બદલો પણ લઈ લીધો હતો.

રોહિત શર્મા અને સૂર્યકુમારની મજબૂત ઇનિંગ્‍સની મદદથી, ભારતે મુશ્‍કેલ પીચ પર ૧૭૧ રનનો મજબૂત સ્‍કોર બનાવ્‍યો હતો, ત્‍યારબાદ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સ્‍પિન સામે, ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન ઇંગ્‍લેન્‍ડ માત્ર ૧૦૩ રનમાં સમાઈ ગયું હતું. ફાઈનલમાં ટીમ ઈન્‍ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.

છેલ્લા ૨-૩ દિવસથી આ મેચ વરસાદના કારણે ધોવાઈ જાય તેવી શક્‍યતા દેખાઈ રહી હતી અને શરૂઆતમાં એવું જ લાગતું હતું, જયારે મેચ લગભગ દોઢ કલાકના વિલંબથી શરૂ થઈ હતી. ત્‍યારપછી થોડા સમય માટે ફરી વિરામ જોવા મળ્‍યો, પરંતુ આ પછી ગયાના વાદળો નહીં પરંતુ ટીમ ઈન્‍ડિયા ઈંગ્‍લેન્‍ડ પર સંપૂર્ણ રીતે વરસ્‍યા. પહેલા કેપ્‍ટન રોહિત અને સૂર્યકુમાર વચ્‍ચેની શાનદાર ભાગીદારીએ ઈંગ્‍લેન્‍ડની સારી શરૂઆત બગાડી. ત્‍યાર બાદ અક્ષરે પાવરપ્‍લેમાં વિકેટો ખેરવીને ઈંગ્‍લેન્‍ડની રમતનો અંત આણ્‍યો હતો. આ સાથે ટીમ ઈન્‍ડિયા ૨૦૧૪ બાદ પ્રથમ વખત ટી૨૦ વર્લ્‍ડ કપની ફાઇનલમાં પહોંચી છે.

રોહિત-સૂર્યાનો જબરદસ્‍ત હુમલો

આ વખતે પણ ટીમ ઈન્‍ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને વિરાટ કોહલી ફરી એકવાર સસ્‍તામાં આઉટ થઈ ગયો હતો, જયારે રિષભ પંત પણ લાંબો સમય ટકી શક્‍યો નહોતો. ઓસ્‍ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં પણ આવું જ કંઈક થયું હતું અને તે જ મેચની જેમ ફરી એકવાર કેપ્‍ટન રોહિત શર્મા (૫૭)એ કમાન સંભાળી હતી, જયાં તેને સૂર્યકુમાર યાદવ (૪૭)નો શાનદાર સાથ મળ્‍યો હતો. રોહિતે જોરદાર બેટિંગ કરી અને માત્ર ૩૬ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને સૂર્યા સાથે ૭૩ રનની શાનદાર ભાગીદારી કરી, જે મેચમાં સૌથી મોટો તફાવત સાબિત થયો.

આ બંનેના આઉટ થયા બાદ હાર્દિક પંડ્‍યા, અક્ષર પટેલ અને રવિન્‍દ્ર જાડેજાએ છેલ્લી ઓવરોમાં ટૂંકી પરંતુ ઝડપી ઈનિંગ્‍સ રમી હતી અને ટીમને ૧૭૧ રનના જબરદસ્‍ત સ્‍કોર સુધી પહોંચાડી હતી. પ્રોવિડન્‍સ સ્‍ટેડિયમની ધીમી પીચ પર ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાના ઈંગ્‍લેન્‍ડના કેપ્‍ટન જોસ બટલરના નિર્ણયથી ટીમ ઈન્‍ડિયા ખુશ થઈ ગઈ હતી. આટલા મોટા સ્‍કોરથી ટીમનો આત્‍મવિશ્વાસ પણ વધ્‍યો હતો.

ઇંગ્‍લેન્‍ડે અક્ષર-કુલદીપ સમક્ષ શરણાગતિ સ્‍વીકારી

કેપ્‍ટન જોસ બટલરે (૨૩) ઈંગ્‍લેન્‍ડ માટે ઝડપી શરૂઆત કરી હતી પરંતુ ચોથી ઓવરના પહેલા જ બોલ પર રિવર્સ સ્‍વીપ કરવાની અક્ષર પટેલની (૩/૨૩) ભૂલ તેને મોંઘી પડી હતી. અહીંથી જ ઈંગ્‍લેન્‍ડના પતનનો પ્રારંભ થયો હતો.

તેની આગલી જ ઓવરમાં જસપ્રીત બુમરાહે ફિલ સોલ્‍ટને એક ઉત્તમ ધીમા બોલ પર બોલ્‍ડ કર્યો, જયારે અક્ષરે બીજી ઓવરના પહેલા બોલ પર જોની બેરસ્‍ટોને ફરીથી બોલ્‍ડ કર્યો. પાવર પ્‍લેમાં જ ઈંગ્‍લેન્‍ડની હાલત ખરાબ થઈ ગઈ હતી. અક્ષર ૮મી ઓવરમાં આવ્‍યો અને ફરીથી પ્રથમ બોલ પર મોઈન અલીની વિકેટ લીધી. આ પછી પણ ટીમ પાસે કેટલાક શાનદાર બેટ્‍સમેન હતા પરંતુ ટીમ ઈન્‍ડિયા પાસે કુલદીપ યાદવ (૩/૧૯) જેવા હથિયાર પણ હતા અને તેમણે પહેલા સેમ કુરન અને પછી હેરી બ્રુકની વિકેટ લીધી હતી. આ પછી, બાકીના બેટ્‍સમેન પણ ધીમે ધીમે બહાર થઈ ગયા અને આખી ટીમ માત્ર ૧૬.૪ ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ.

હવે ટીમ ઈન્‍ડિયા ૨૯ જૂને ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ કેન્‍સિંગ્‍ટન ઓવલ બાર્બાડોસમાં રમાશે. ટી૨૦ વર્લ્‍ડ કપની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે ૮ વાગ્‍યે શરૂ થશે જયારે ટોસ અડધો કલાક વહેલો એટલે કે સાંજે ૭.૩૦ વાગ્‍યે થશે.

Related posts

તીરંદાજ દીપિકા કુમારીએ ટોક્યો ઓલમ્પિક મહિલા સિંગલ્સની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

Ahmedabad Samay

ભારતનો ભવ્ય વિજય ઈંગ્લેન્ડને 36 રનથી હરાવ્યું, 3-2થી જીતી સીરિઝ

Ahmedabad Samay

Australia Playing 11: વોર્નર-ખ્વાજા કરશે ઓપનિંગ, આ અનુભવી હેઝલવુડનું લેશે સ્થાન,આવી હશે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11

Ahmedabad Samay

વર્લ્ડ હોકી રેન્કિંગમાં ભારતીય પુરૂષોની ટીમ ચોથા ક્રમે છે, જ્યારે મહિલા ટીમ ૧૦ માં સ્થાને છે.

Ahmedabad Samay

IND Vs AUS: એડમ ઝમ્પા ODI શ્રેણીમાં ભારત માટે બની શકે છે સમસ્યા, 2019 વર્લ્ડ કપ પછીના આંકડા છે આશ્ચર્યજનક

Ahmedabad Samay

ભારતીય બોક્સર અમિત પંઘલ નંબર વન બોક્સર તરીકે ઓલિમ્પિકમાં ભાગ લેશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો