ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદારો અનામત આંદોલન બાદ થયેલા તોફાનો દરમિયાન પાટીદાર યુવાનો સામે કરવામાં કેસ પાછા ખેંચાયા હોવાની હાર્દિક પટેલે જાહેરાત કરી છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને આ જાહેરાત કરી છે. જોકે, સરકાર તરફથઆ આ બાબતે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતાં. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતાં. જોકે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ, આંદોલનના ૧૦ વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા નહતાં. જોકે, હવે ૧૦ વર્ષ બાદ અનામત આંદોલનથી ઉભરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી એવો સંદેશ આપ્યો છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકારે આ ગુનાઓ પરત ખેંચી લીધા છે. હાર્દિક પટેલની એક્સ પર આ જાહેરાત બાદ વિવિધ પાટીદાર નેતાઓએ સરકારનો આભાર માન્યો છે.
આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં પાટીદાર આંદોલન વખતે મારા સહિત સમાજના અનેક યુવાનો સામેના ગંભીર રાજદ્રોહના કેસો પાછા ખેંચી લીધા છે. સમાજ વતી હું ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના કરવામાં આવી, ૧૦૦૦ કરોડની યુવા સ્વાવલંબન યોજના અમલમાં આવી અને દેશના લોકોને આર્થિક ધોરણે ૧૦્રુ અનામતનો લાભ મળ્યો. હું ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગળહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મારા હૃદયના તળિયેથી આભાર વ્યક્ત કરું છું.
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ સરકારના નિર્ણયને લઈને જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના સમયે જે કેસો થયા હતા, તેમાં અતિ ગંભીર પ્રકારના લગભગ ૧૪ કેસો સરકાર દ્વારા પરત ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સત્તાવાર રીતે સરકાર દ્વારા યાદી પણ જાહેર કરવામાં આવશે. ૮ કેસ અમદાવાદના છે, ૨ કેસ સુરતના, ૩ કેસ ગાંધીનગરના અને ૧ કેસ મહેસાણાનો છે. આ મળી કુલ ૧૪ જેટલા કેસો પરત ખેંચવામાં આવશે.