September 21, 2026
વરસાદ, havy strom
ગુજરાત

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું, અત્યંત ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ  પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ તેમજ રાહત કમિશનર શ્રી અલોકકુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેકટરશ્રીઓને મુખ્ય સચિવશ્રીએ આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રીએ બેઠકમાં જણાવ્યા મુજબ આજે તા. ૬ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવતીકાલ તા. ૭ સપ્ટેમ્બરના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહીને આધારે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવશ્રીએ સૂચના આપી હતી. મુખ્ય સચિવશ્રીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને તેમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ જરૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું.

મુખ્ય સચિવશ્રીએ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા પણ સૂચના આપી હતી. સાથે જ, રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડીપ્લોય કરાયેલી NDRF અને SDRF ટીમોની માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટીમ ડીપ્લોય કરવા તેમણે સૂચના આપી હતી. વધુમાં, આવતીકાલે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવા જિલ્લા કલેકટરશ્રીઓને સૂચન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએ આજે યોજાનાર ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં નાગરીકો ભેગા થવાની સંભાવના છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ વિસર્જનના સ્થળોએ ભારે વરસાદથી કોઇ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા તેમજ નાગરિકોને જળાશયોથી દૂર રાખીને વિધિવત રીતે ગણેશ વિસર્જન થઇ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવશ્રીએ તમામ જિલ્લા કલેકટરશ્રીઓને જણાવ્યું હતું.

Related posts

મેઘાણીનગરના ઊમેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવજીની પાલકી કઢાઈ હતી.

Ahmedabad Samay

સુરતમાં કપલ બોક્સની અંદર દુષ્કર્મ, પરિણીતાના ફોટો પાડી બ્લેકમેલ કરી

Ahmedabad Samay

કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી, ક્યાં વાહન ઉપર સવાર થઈને આવી રહી છે માં દુર્ગા, જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

શિયાળામાં આવું થાય છે. હવે શિયાળો પૂરો થયો, પછી કિંમતો સસ્તી થશે: પેટ્રોલિયમ મંત્રી

Ahmedabad Samay

કોરોના કેસ વધતા મનપા કમિશનરને અપાઇ છુટ, આજે થશે વધુ ચર્ચા:ડે. સી.એમ નીતિનભાઈ પટેલ

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો