અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને શહેરમાં વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાવાના હોવાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15 જુલાઈની મધરાતથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અનેક મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
શહેરવાસીઓને અગવડ ન પડે તે માટે વૈકલ્પિક માર્ગો પણ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તમામ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અને બહાર નીકળતા પહેલાં રૂટની માહિતી તપાસવાની અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ 15 જુલાઈની મધરાતથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી પરંપરાગત રથયાત્રા રૂટ પર તમામ પ્રકારના સામાન્ય વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ-223 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અધિકૃત સરકારી વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
રથયાત્રાના પરંપરાગત રૂટમાં આવતા જમાલપુર, આસ્ટોડિયા, ખાડિયા, કાલુપુર, સરસપુર, દિલ્હી દરવાજા, શાહપુર, ત્રણ દરવાજા, પાનકોર નાકા, માણેકચોક અને ગોળલીમડા સહિતના મુખ્ય માર્ગો સામાન્ય વાહનચાલકો માટે બંધ રહેશે. ઉપરાંત સવારે 5 વાગ્યાથી જ જમાલપુર પોલીસ ચોકીથી ખમાસા તરફનો ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો કુલ રૂટ અંદાજે 16 કિલોમીટરનો રહેશે, જેમાં જગન્નાથ મંદિરથી સરસપુર અને ત્યાંથી પરત નિજમંદિર સુધીનો સમગ્ર માર્ગ સુરક્ષા હેઠળ રહેશે.
ટ્રાફિકની સમસ્યા ટાળવા માટે પોલીસે શહેરવાસીઓ માટે અનેક વૈકલ્પિક માર્ગો જાહેર કર્યા છે. વાહનચાલકો રાયખડ–રિવરફ્રન્ટ રોડ, ગીતામંદિર માર્ગ, ગાંધીબ્રિજ અને ઇન્કમટેક્સ વિસ્તારના માર્ગોનો ઉપયોગ કરી શકશે. ઉપરાંત કાલુપુર બ્રિજ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, ઘી-કાંટા, સારંગપુર, પાંચકુવા, અમદુપુરા, નિર્મલપુરા અને રખિયાલ વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે. કાલુપુર રેલવે સ્ટેશન જવા માંગતા મુસાફરોને સારંગપુર સર્કલ તરફથી જવાનો ખાસ આગ્રહ કરવામાં આવ્યો છે, જેથી ટ્રાફિક જામથી બચી શકાય.
રથયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા 1500થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ પર તૈનાત કરવામાં આવશે. બંદોબસ્તમાં 1 JCP, 4 DCP, 6 ACP, 18 PI, 30 PSI, 800 ટ્રાફિક પોલીસ કર્મચારીઓ, 300 હોમગાર્ડ અને 350 TRB જવાનોનો સમાવેશ થાય છે. ઉપરાંત ટ્રાફિક નિયમન માટે 23 ક્રેન, 9 ઇન્ટરસેપ્ટર વાહનો, 1 પેટ્રોલિંગ કાર અને CCTV કેમેરાથી સજ્જ 18 વાહનો પણ કાર્યરત રહેશે. શહેરમાં મુખ્ય રથયાત્રા ઉપરાંત અન્ય 6 નાની-મોટી રથયાત્રાઓનું પણ ટ્રાફિક નિયમન કરવામાં આવશે. અમદાવાદ પોલીસે તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોલીસના સૂચનોનું પાલન કરે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે સફળ બનાવવામાં સહયોગ આપે.
