નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન BRICS Summit 2026માં ભાગ લેવા માટે શુક્રવારે ભારત પહોંચ્યા છે. પુતિન નવી દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા હતા, જ્યાં ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું હતું.
પુતિનના ભારત આગમનને લઈને રાજધાની દિલ્હીમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત પ્રવાસ દરમિયાન તેઓ BRICS Summitમાં ભાગ લેવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ કરી.
પુતિન-મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા
વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠકમાં ભારત-રશિયા સંબંધો સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. સંરક્ષણ, વેપાર, આર્થિક સહયોગ અને અન્ય દ્વિપક્ષીય મુદ્દાઓ બેઠકના કેન્દ્રમાં રહી શકે છે.
છેલ્લા 9 મહિનામાં પુતિનનો આ બીજો ભારત પ્રવાસ છે. આ પહેલાં તેઓ 5 ડિસેમ્બર 2025ના રોજ ભારત આવ્યા હતા.
પુતિનના પ્રવાસને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા
પુતિનના દિલ્હી પહોંચતા પહેલાં જ સુરક્ષા એજન્સીઓ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી હતી. એરપોર્ટથી હોટેલ અને ત્યારબાદ ભારત મંડપમ સુધીના સંભવિત માર્ગો પર સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે.
પુતિન જ્યાં રોકાઈ શકે તેવી સંભવિત હોટેલમાં પણ સુરક્ષાના અનેક સ્તરો તૈયાર કરવામાં આવ્યા છે. હોટેલ અને તેની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
રશિયાની સુરક્ષા ટીમ પણ અગાઉથી દિલ્હી પહોંચી હતી અને ભારતીય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને હોટેલ તથા આસપાસના વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
ચાર સ્તરનું સુરક્ષા કવચ
પુતિનની સંભવિત હોટેલમાં ચાર સ્તરનું સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. સૌથી અંદરના સ્તરે ક્લોઝ પ્રોટેક્શન ટીમ (CPT) રાષ્ટ્રપતિની નજીકની સુરક્ષા સંભાળશે.
બીજા સ્તરે દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તૈનાત રહેશે. ત્રીજા સ્તરે દિલ્હી પોલીસના કમાન્ડો અને અર્ધલશ્કરી દળોના જવાનો સુરક્ષા સંભાળશે. જ્યારે સૌથી બહારના સ્તરની સુરક્ષાની જવાબદારી સ્થાનિક પોલીસની રહેશે.
હોટેલના કર્મચારીઓની પણ સુરક્ષા તપાસ કરવામાં આવી છે. પુતિનની અવરજવર દરમિયાન રશિયાની પોતાની સુરક્ષા ટીમના કમાન્ડો અને સુરક્ષા અધિકારીઓ પણ તેમની સાથે રહેશે.
સંભવિત હોટેલમાં એક એડિશનલ DCP અને બે ACPને અલગ-અલગ શિફ્ટમાં તૈનાત કરવામાં આવ્યા છે.
BRICS Summit 2026માં વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા
ભારત આ વર્ષે BRICSની અધ્યક્ષતા કરી રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS Summit 2026માં આર્થિક સહયોગ, વેપાર અને વૈશ્વિક મહત્વના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.
પુતિનનું ભારત આગમન BRICS Summit પહેલાંનું મહત્વપૂર્ણ અને હાઇ-પ્રોફાઇલ આગમન માનવામાં આવી રહ્યું છે. સમિટ દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઉપરાંત વૈશ્વિક રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર પણ નેતાઓ વચ્ચે ચર્ચા થવાની શક્યતા છે.
