વૃદ્ધો સાથે સમય વિતાવી નવા કપડાં, ફૂડ અને ભેટોનું વિતરણ કર્યું, વડીલોના આશીર્વાદ મેળવી વિદ્યાર્થીઓએ સેવાભાવનો સંદેશ આપ્યો
સમાજમાં માનવતા, સંવેદના અને સેવાભાવના સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે શ્રી નારાયણા હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા એક સરાહનીય સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ વિસામો વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ત્યાં રહેતા વડીલો સાથે આત્મીયતાભર્યો સમય વિતાવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે હળવાશભરી વાતચીત કરી તેમની સાથે ખુશીની પળો વિતાવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વડીલોને નવા કપડાં, ફૂડ અને વિવિધ ભેટસોગાદોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વડીલોની ખબરઅંતર પૂછી તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર દાન કે ભેટ આપવાનો જ નહીં, પરંતુ વડીલો પ્રત્યે આદર, પ્રેમ, લાગણી અને જવાબદારી નિભાવવાનો પણ સુંદર સંદેશ મળ્યો હતો.
શ્રી નારાયણા હાયર સેકન્ડરી સ્કૂલની આ પહેલ સમાજમાં વૃદ્ધો પ્રત્યે સંવેદનશીલતા અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપતી સરાહનીય પ્રવૃત્તિ બની હતી.
અમદાવાદ સમય – માનવતા અને સેવાભાવને સલામ.
