મુગલ-એ-આઝમ “ દિલીપ કુમાર ” નું નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું
“હિન્દી સિનેમા જગતના દિગ્ગજ કલાકાર અને પહેલા સુપર સ્ટાર દિલીપકુમારનું આજે વહેલી સવારે દુઃખદ નિધન થયુ છે. ૯૮ વર્ષના બોલીવુડના ‘ટ્રેેજેડી કિંગ’એ સવારે ૭.૩૦ કલાકે હિન્દુજા હોસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા થોડા સમયથી બિમાર હતા અને એક મહિનામાં જ બે વખત તેમને હોસ્પીટલમાં દાખલ કરવા પડયા હતા. દિલીપકુમારના નિધન સાથે જ હિન્દી સિનેમાના એક યુગનો અંત આવ્યો છે.
દેશના વડાપ્રધાન મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, બોલીવુડના દિગ્ગજોએ દિલીપકુમારના નિધન પર શોક વ્યકત કર્યો છે અને આ દિગ્ગજને અંતિમ સલામ કર્યા છે. સિલ્વર સ્ક્રીન પર પોતાના અભિનયથી લોકોને રડાવનાર આ કલાકારની વસમી વિદાયથી તેમના ચાહકો પણ શોકમાં ડૂબી ગયા છે. સિનેમા જગતના લેજન્ડ તરીકે ઓળખાતા દિલીપકુમારની આજે જ જુહુના કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરવામાં આવી રહી છે.
૯૮ વર્ષના દિલીપકુમારે ભારતીય સિનેમામાં મેથડ એકટીંગની શરૂઆત કરી હતી. બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોના દૌરમાં દિલીપકુમાર અને દેવાનંદ બન્નેનો દબદબો હતો. દુર્ભાગ્યથી આજે બન્ને આ દુનિયામાં નથી.
દિલીપકુમારને છેલ્લા એક મહિનામાં બે વખત હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૫ જુલાઈના રોજ દિલીપકુમારના ટ્વીટર હેન્ડલથી તેમને હેલ્થ અંગે અપડેટ આપવામાં આવતુ હતુ ત્યારે તેમના પત્નિ સાયરાબાનોએ કહ્યુ હતુ કે દિલીપકુમારની તબીયત સુધરી રહી છે તેઓ હજુ હોસ્પીટલમાં છે. તમારી દુવાઓની જરૂર છે પરંતુ આ હેલ્થ અપડેટના બે દિવસ બાદ જ દિલીપ સાબએ દુનિયા છોડી દીધી છે.
૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ બ્રિટીશ ઈન્ડીયાના પેશાવરમાં જન્મેલા દિલીપકુમારનું અસલી નામ યુસુફખાન હતુ. તેઓએ પોતાનો અભ્યાસ નાસિકમાં કર્યો હતો. ૨૨ વર્ષની ઉંમરે તેમણે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો અને ૧૯૪૪માં તેમણે જવાર ભાટામાં કામ કર્યુ હતું. તેમણે પાંચ દાયકાની કેરીયરમાં ૬૦થી વધુ ફિલ્મો કરી હતી. તેમણે અનેક િ ફલ્મો નકારી પણ હતી. તેમને વસવસો રહ્યો હતો કે પ્યાસા અને દિવારમાં કામ કરી ન શકયા.
દિલીપકુમારે ૧૯૬૬માં સાયરાબાનો સાથે લગ્ન કર્યા હતા. જ્યારે લગ્ન થયા ત્યારે તે દિલીપકુમારથી ૨૨ વર્ષ નાની હતી. દિલીપકુમારે આસમા સાહીબા સાથે પણ શાદી કરી હતી પણ આ શાદી માત્ર ૧૯૮૩ સુધી ચાલી હતી પરંતુ સાયરાબાનોેએ દિલીપકુમારનો અંતિમશ્વાસ સુધી સાથ આપ્યો હતો.”