June 18, 2026
અપરાધગુજરાત

વલસાડજિલ્લાના ઉમરગામના વૃદ્ધ સાથે ₹1.11 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈ:સુરતની ગેંગના 4 સભ્યો ઝડપાયા, દુબઈ સુધી તાર

વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે સિનિયર સિટીઝન સાથે ₹1.11 કરોડની છેતરપિંડી આચરનાર સુરતની ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ઠગબાજોએ CBI અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી વૃદ્ધને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

આ ઘટનામાં ઉમરગામના 69 વર્ષીય આલોકકુમાર મૈતી ભોગ બન્યા હતા. ઠગબાજોએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં થયો છે. વૃદ્ધને ડરાવવા માટે આરોપીઓએ Skype પર વીડિયો કોલ કર્યો હતો અને પોતાની ઓળખ TRAI, CBI અને સુપ્રીમ કોર્ટના અધિકારી તરીકે આપી હતી.

આરોપીઓએ સુપ્રીમ કોર્ટના નકલી સ્ટેમ્પવાળો ઓર્ડર પણ બતાવ્યો હતો અને વૃદ્ધના જામીન નામંજૂર થયા હોવાનું કહી તેમને વિશ્વાસમાં લીધા હતા. આ રીતે, તેમણે વૃદ્ધ પાસેથી કુલ ₹1,11,11,111/- (એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા) ટ્રાન્સફર કરાવી લીધા હતા.

વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પીઆઈ એચ.જી. રબારીની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે છેતરપિંડીના નાણાં સુરતના ખાતાધારકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા.

બાતમીના આધારે પોલીસે સુરત અને કતારગામ વિસ્તારમાં દરોડા પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુકેશ અનંતભાઈ પોળેકર (રહે. કતારગામ, સુરત), જય જમનભાઈ રાંક (ઉં.વ. 21, રહે. કતારગામ, સુરત), રોહિતકુમાર નિતેશભાઈ મુંજાણી (મૂળ ભાવનગર, હાલ સુરત) અને નિર્મળ નિતિનભાઈ સોલંકી (મૂળ ઉના, હાલ સુરત)નો સમાવેશ થાય છે.

તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપીઓ કમિશનના બદલામાં નાણાં ઉપાડતા હતા અને સની નામના શખ્સ મારફતે આ રકમ દુબઈ મોકલવામાં આવતી હતી. આ કેસમાં આશિષ પટેલ, સની અને હર્ષિલ નામના અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે વૃદ્ધના ₹20,94,991/- (વીસ લાખ ચોરાણું હજાર નવસો એકાણું રૂપિયા) હોલ્ડ કરાવીને પરત મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.

વલસાડ પોલીસે નાગરિકોને આવા ફ્રોડથી સાવચેત રહેવા અપીલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, કોઈપણ સરકારી એજન્સી વીડિયો કોલ દ્વારા “ડિજિટલ એરેસ્ટ” કરતી નથી. તેમજ, કોઈ અધિકારી ફોન પર OTP, પિન કે પાસવર્ડ માંગતા નથી. જો કોઈ તપાસના નામે “સેફ એકાઉન્ટ”માં પૈસા ટ્રાન્સફર કરવાનું કહે, તો તે છેતરપિંડી જ છે. આવા શંકાસ્પદ કિસ્સામાં તુરંત 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

જુનિયર મહેમૂદનું થયું નિઃધન,જુનિયર મહમૂદ પ્રેમનો ખજાનો હતો: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહ માટે દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

Ahmedabad Samay

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ ગાંધીનગરના દેહગામમાં નાના વિવાદ બાદ બે સમુદાયના લોકો સામસામે આવ્યા હતા. બંને બાજુથી ભારે પથ્થરમારો

Ahmedabad Samay

નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ

Ahmedabad Samay

રાંધણ ગેસમાં ફરી થયો વધારો,૨૫ રૂપિયા નો ભાવ થયો વધારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો