આ દિવાળી અમદાવાદીઓ માટે થોડી ખાસ રહી છે કારણકે આ વર્ષે લોકોએ રિવરફ્રન્ટ ખાતે બનેલા અટલ બ્રિજની મુલાકાત કરી અને મેટ્રો ટ્રેનની મુસાફરીની પણ મજા માણી દિવાળી નો તહેવાર ઉજવ્યો હતો. આ વર્ષે મેટ્રો પ્રવાસ માટે લોકોની પ્રથમ પસંદ બની ગઈ હોવાથી તહેવારના દિવસે મેટ્રોમાં લોકોની ભીડ જોવા મળી હતી.
મેટ્રોની સવારી લેનારા લોકોએ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ સાથે એક સુખદ અનુભવ માણ્યો હતો. દિવાળી નિમિત્તે સ્ટેશન પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી કારણ કે લોકોએ પરિવહન માટે મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો હતો. સાથે જ મુસાફરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મુસાફરોના મતે, પ્રવાસીઓએ ઓછા ખર્ચે સારી મુસાફરી અને વિકાસ માટે મેટ્રોની પ્રશંસા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભીડને કારણે શહેરના અનેક સ્ટેશનો પર બુકિંગ સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી. ભીડને કારણે વસ્ત્રાલ, ગુરુકુલ મેટ્રો સ્ટેશનની બુકિંગ સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી. અડધા કલાક સુધી બુકિંગ વિન્ડો બંધ રહેતા મુસાફરોની કતાર લાગી હતી.