તાઉ- તે વાવાઝોડાની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે. જેની અસરને કારણે રાજ્યમાં પવન સાથે છૂટો વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પવન ફૂંકાવાને કારણે અલગ અલગ વિસ્તારમાં 24 ઝાડ ધરાશાઈ થઈ ગયા છે. ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા ઝાડ ઉઠાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાઉ- તે વાવાઝોડાને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે 24 કલાક કાર્યરત રહેશે. આ ઉપરાંત ફાયર બ્રિગેડ વિભાગને પણ સ્ટેન્ડ ટુ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદી છાંટા શરુ થયા હતા. જો કે, બપોર બાદ સાબરમતી, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સરખેજ તથા વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં છાંટા પડ્યા હતા. વરસાદી છાંટા પડતા દિવસભરના ઉકળાટ બાદ અમદાવાદીઓએ થોડી રાહત અનુભવી હતી. શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે હજુ 20 મે સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાદ દ્વારા કરવામાં આવી છે.
વાવાઝોડાની ગંભીરતા ને જોતા અમદાવાદમાં કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે અને હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.