પોરબંદર જિલ્લામાં સાંસદ રમેશભાઈ ધડૂક અને રામભાઈ મોકરીયાના હસ્તે દિશા કમિટીની બેઠકમાં વિસાવાડા ગામના ‘વિશ્વાસ’ સખી મંડળ દ્વારા “વિશ્વાસ” બ્રાન્ડ સાથે ગાયનું શુદ્ધ ઘી લોન્ચ કરી આવનારા દિવસોમા ઘી નુ ખૂબ વેચાણ થાય અને પ્રગતિ કરતા રહો તેવી શુભકામનાઓ પાઠવી હતી.
વિસાવાડા ગામમાં બહેનો દ્વારા વર્ષોથી પશુપાલન સબંધિત આજીવિકા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહેલ છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ આત્મા પ્રોજેક્ટ સાથે સંકલન કરી બહેનોના પ્રોડ્યુસર ગ્રુપની રચના કરવામાં આવેલ છે. વિશ્વાસ પ્રોડયુસર ગ્રુપ ઘી ના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. સાંસદશ્રીઓ દ્રારા બહેનોને આર્થિક રીતે પગભર બનવા પ્રોત્સાહક વાતાવરણ મળી રહે તે માટેની પહેલ કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર દ્વારા પ્રોડયુસર ગ્રુપનીઆ પહેલને આવકારવામાં આવી હતી.
સખીમંડળના પ્રમુખ નિમુંબેન અર્જનભાઈ મુછારે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બહેનોને આર્થિક પગભર કરવા માટે સરકાર કટીબધ્ધ છે. બહેનોના આર્થિક વિકાસ માટે અનેકવિધ યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. ગ્રામીણ મહિલાઓ સંગઠિત થાય, તાલીમબદ્ધ થાય અને બેન્ક જોડાણ દ્વારા લોનના માધ્યમથી તેઓની નાણાંકીય જરૂરિયાત પૂરી થાય તેમજ તેઓ કૃષિ કે બિનકૃષિ ક્ષેત્રની ટકાઉ આજીવિકા સાથે જોડાય અને આર્થિક રીતે પગભર થાય તે માટેના પ્રયાસો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ હાથ ધરવામાં આવી રહેલ છે.