પોરબંદરની શ્રીશારદા વિદ્યામંદિર હાઈસ્કૂલ સીમર ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવ્યો હતો. તથા વિદ્યાર્થીઓમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે જાગૃતિ આવે તે માટે નાટક યોજાયું હતું.
દર વર્ષે તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃ ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દરેક ભાષાની સાંસ્કૃતિક ધરોહર જાળવી રાખવાના આ ઉદ્દેશ્યને પાર પાડવા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અનુસંધાને આપણી ગુજરાતી ભાષાનું વિધાર્થીઓ વધુ મહત્વ સમજે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક પૂજન, પુસ્તક પ્રદર્શન,વક્તવ્ય તેમજ બાયસેગ પર પ્રસારિત કાર્યક્રમને નિહાળી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન શાળાના ભાષા શિક્ષક વર્ષાબેન પટેલ ,ઘનશ્યામભાઈ અને હીરાબેન દ્વારા ગુજરાતી ભાષાનો મહિમા અને આ ઉજવણી પાછળનો તાત્પર્ય સમજાવ્યો હતો.
આ ઉજવણીની સાથે સાથે કલેકટર પોરબંદર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા પોરબંદર જિલ્લામાં અંધશ્રદ્ધા નિર્મૂલન અને આરોગ્ય વિશે જનજાગૃતિ માટે શેરી નાટક યોજાયું હતું. જેમાં માતૃભાષામાં જ સ્વચ્છતા, બેટી બચાવો બેટી પઢાવો, અંધશ્રદ્ધા નિર્મૂલન, સમતોલ આહાર ,વેક્સિન, એનિમીયા જેવા મુદ્દાઓને આવરી લઈ ગ્રામજનો અને વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી કેશુભાઈ ગોઢાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીમર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર નિર્મલ કાતરીયા, સીમર ગામના સરપંચ કેશુભાઈ મોઢવાડિયા ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મુકેશભાઈ વારા, હીરાભાઈ રાઠોડ ,સંતોકબેન, કિરણબેન તેમજ શાળા પરિવાર હાજર રહ્યો હતો. આ જનજાગૃતિ કાર્યક્રમ બદલ ટ્રસ્ટના પ્રમુખ વી.ડી.કારાવદરા દ્વારા પોરબંદર વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને આવા કાર્યક્રમોનો હજી વધારે લાભ લોકોને મળે જેથી લોકજાગૃતિ આવે તેવી આશા વ્યકત કરી હતી.