અમદાવાદ જિલ્લો ૭૭મું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આન-બાન-શાનથી કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આવતીકાલે ૧૫ મી ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની
ઉજવણીના ભાગરૂપે અમદાવાદની જિલ્લાકક્ષાની ઉજવણી સાણંદમાં એપીએમસી-માર્કેટ યાર્ડ ખાતે યોજાનાર છે, જેમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ધ્વજારોહણ થવાનું છે.
આજ રોજ સાણંદમાં એપીએમસી-માર્કેટ યાર્ડ ખાતે અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે., જિલ્લા પોલીસ અધિક્ષક (અમદાવાદ ગ્રામ્ય) શ્રી અમિત વસાવા તથા અધિક નિવાસી
કલેક્ટર સુધીર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
આજે સાણંદમાં એપીએમસી-માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા રિયલ ટાઇમ રિહર્સલમાં પરેડ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. શાળાનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સ્વાતંત્ર્યવીરોના સન્માન તથા વિવિધ વિભાગોના ઉમદા યોગદાન આપનારા કર્મયોગીઓના સન્માન સહિતની
બાબતોની સમીક્ષા કરી હતી તથા મુખ્ય કાર્યક્રમની તમામ તૈયારીઓનું બારીકાઇથી નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમના રિહર્સલ અને નિદર્શનમાં સાણંદ પ્રાંત અધિકારી કલ્પેશ ઉનડકટ, જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી સહિતના જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન તેમજ સ્થાનિક
આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.