વર્ષ 2023 ને જ્યારે યુનાઈટેડ નેશન્સ દ્વારા “ઇન્ટરનેશનલ મિલેટ્સ વર્ષ” તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ભારત દેશને મિલેટ્સનું વૈશ્વિક હબ બનાવવા માટેના પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે, ગુજરાત કોમ્પોઝિટ(ટેક્) કોય, એન.સી.સી. અમદાવાદના કેડેટ્સ દ્વારા આજે એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે ‘Eat Right Movement’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
એસોસિયેટ એન.સી.સી. ઓફિસર લેફ્ટેનન્ટ પંકજ શર્માએ આ રેલીમાં ઉદ્દબોધન આપતા કહ્યું કે, વિશ્વના ઘણા ભાગોમાં ઉગાડવામાં આવતા મિલેટ્સ એ પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ અને ખનીજથી ભરપુર અને સમૃદ્ધ ધાન્ય છે. તે દુષ્કાળ પ્રતિરોધક અને પર્યાવરણીય રીતે પણ ખૂબ જ ટકાવ ધાન્ય છે. જેના કારણે તેમને ભારતની ખાદ્ય સુરક્ષા અને આબોહવા સ્થિતિસ્થાપકતા માટે એક મહત્વપૂર્ણ પાક ગણાવી શકાય. આ પ્રકારના ધાન્યોનો વધારે ઉપયોગ કરીને લોકોનું સ્વાસ્થ્ય સુધરે તેવો આ રેલીનો હેતુ જણાવી તેમણે વિદ્યાથીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ સ્થાનિક લોકોમાં રેલી દ્વારા જાગૃતતા ફેલાવાનું કામ કર્યું.
ભારતમાં વસ્તીના કારણે મિલેટ્સ જેવા ધાન્યો સસ્તો અને પૌષ્ટિક વિકલ્પ પૂરો પાડે છે. મિલેટ્સની ખેતી પણ નાના ખેડૂતો કરી શકે છે. આ રીતે ટકાઉ વિકાસ કરવા, લોકો સુધી તેના લાભ પહોંચાડવા અને આબોહવા પરિવર્તન સાથે સુમેળ કરવા તથા જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા આ પ્રકારના ધાન્યોનો વધારેમાં વધારે ઉપયોગ જરૂરી છે. એન. સી. સી. કેડેટ્સ દ્વારા રેલી કરીને લોકોમાં મિલેટ્સનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે, તેના ફાયદા જાણે, લોકલ અવરનેસ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યાં.
એન.સી.સી. યુનિટના ઓફિસર કમાંડીગ લેફ્ટનન્ટ કર્નલ વી. વી. સિંહના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીમાં પોલીસ વિભાગના કર્મચારીઓ, એસોસિયેટ એન. સી. સી. ઓફીસર્સ અને એન.સી.સી. કેડેટ્સે ભાગ લીધો હતો.