અરવલ્લી જીલ્લાની મોટરિંગ જનતાને સરકારના મોટર વાહન ખાતાના તા ૧૨ ઓક્ટોમ્બર ૨૦૧૭ના પરિપત્ર મુજબ હવે અગાઉ મેન્યુઅલ ચાલતી ઓક્શન પ્રક્રિયાને બંધ કરી સરળ, નિષ્પક્ષ, પારદર્શક અને ઝડપી ઓનલાઈન ઈ-ઓક્શન પ્રક્રિયાનું અમલીકરણ કરવાનું થયું છે. જેના ભાગરૂપે એઆરટીઓ મોડાસામાં ટુ વ્હિલર વાહન માટે શરૂ થયેલ નવી સીરીઝ GJ.૩૧.AA ૦૦૦૧ થી ૯૯૯૯ નંબરો માટેની ઓનલાઇન ઇ-ઓક્શન પ્રક્રિયા માટે પસંદગી નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોને તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગી નંબર મેળવવા આગામી તારીખ ૦૮/૦૩/૨૦૨૩ થી ૧૦/૦૩/૨૦૨૩ સુધી પાયાની રકમ ઓનલાઇન ભરી ઓનલાઇન એપ્લીકેશનમાં અરજી કરવાની રહેશે. તા.૧૦/૦૩/૨૦૨૩થી સાંજે ૦૪:૦૦ થી તા.૧૨/૦૩/૨૦૨૩થી સાંજે ૦૪.૦૦ સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ઓનલાઇન બિડીંગમાં ભાગ લેવાનો રહેશે.
આ બિડીંગ પ્રક્રિયામાં અરજદાર પસંદ કરેલ નંબર ફોર વ્હિલર માટે રૂ.૨૦૦૦ ના ગુણાંકમાં બિડાણ કરવાની રહેશે. તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ સાંજે ૦૪.૦૦ કલાકે ઓનલાઇન હરાજીમાં સફળ થયેલ ઉમેદવારોને ઓનલાઇન નંબર ફાળવી દેવામાં આવશે. જેની જાણ તેમને નોંધણી વખતે આપેલ મોબાઇલ નંબર અને ઇ-મેઇલ પર કરવામાં આવશે. એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારી અરવલ્લીની અખબારી યાદીમાં જણાવાયું છે.
