મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના બે અતિ સૂકા તાલુકા એવા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ સંવેદનાસભર નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ આ બેય તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના આ બે તાલુકાઓમાં કોઇ મોટી સિંચાઇ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. એટલું જ નહિ, થરાદ તાલુકાનો પૂર્વ તરફનો ઉપરનો વિસ્તાર સિંચાઇ વિહોણો છે.
થરાદ અને ધાનેરા તાલુકાઓને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેની અતિ આવશ્યકતાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેય તાલુકાઓના ગામોના ર૦૦ થી વધારે સરકારી પડતર તળાવોને નર્મદા નહેર આધારિત ઉદવહન પાઇપલાઇનથી આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ૬૧ કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, નર્મદા મુખ્ય નહેર આધારિત પ્રગતિ હેઠળની ર અને પૂર્ણ થયેલી ૧ર એમ કુલ ૧૪ ઉદવહન પાઇપલાઇનોની કુલ ક્ષમતા ૩૩૭પ ક્યુસેક્સ દ્વારા મહત્તમ ૦.૬૦ MAF પાણી ઉપાડવામાં આવે છે.
નર્મદાના વધારાના ૧ MAF પાણીના ઉદવહન માટે સ્થાપિત ક્ષમતા વધારવી પડે તેમ છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ અને ધાનેરા તાલુકાના બાકી રહી જતા ગામોના ર૦૦ થી વધુ તળાવો નર્મદા જળથી ભરવાનો આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.